નવી દિલ્હી, તા. 18 : બાળવિવાહના સંબંધમાં ધ્યાન ખેંચનારો મહત્ત્વનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે, બાળવિવાહ રોકવા માટે જાગૃતિની જરૂર છે. માત્ર સજાની જોગવાઇથી કંઇ નથી થવાનું. કોઈ પણ પર્સનલ લો બોર્ડ પર બાળવિવાહનો કાયદો લાગુ થાય છે. જીવનસાથી પસંદ કરવાનો દરેકને અધિકાર છે અને કોઈ પણ પર્સનલ લો દ્વારા તેને રોકી શકાય નહીં તેવો મહત્ત્વનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે દેશમાં થઇ રહેલાં બાળલગ્નો પર ભારે નારાજગી સાથે કહ્યું હતું કે, આ બદી જીવનસાથી જાતે પસંદ કરવાનો અધિકાર પણ છીનવી લે છે. સરકાર શું કરી રહી છે, તેવું કોર્ટે પૂછ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે મહત્ત્વની વાત કરતાં કહ્યું હતું કે, અમે બાળવિવાહ પર નિયમનના કાયદાનો હેતુ જોયો અને સમજ્યો, પરંતુ ઘણી ખામીઓ છે. આ કાયદામાં કોઇ નુકસાન કર્યા વિના સજા આપવાની જોગવાઇ છે, જે પ્રભાવી પૂરવાર થઇ શકી નથી.
હવે જાગૃતિ અભિયાન છેડવાની જરૂર છે, તેવું તેમણે ઉમેર્યું હતું. સુપ્રીમે શુક્રવારે કહ્યું હતું કે, બાળવિવાહ નિષેધ અધિનિયમમાં અધુરાશો છે. બાળવિવાહ પોતાની પસંદગી મુજબ જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્ર ઇચ્છાનું ઉલ્લંઘન કરે છે. સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે બાળવિવાહ રોકવાના કાયદાનું અસરકારક અમલીકરણ કરાવવા માટે અનેક દિશાનિર્દેશ પણ જારી કર્યા હતા. આ કાયદો ત્યારે જ સફળ થશે, જ્યારે બહુ સમન્વયક દૃષ્ટિકોણ હશે. આ સામાજિક મુદ્દો છે, સરકાર શું કરી રહી છે, તેવો સવાલ પણ સુપ્રીમે કર્યો હતો.

