INDIA Alliance SC Petition: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ‘INDIA ગઠબંધન’ના 10 નેતાઓ સાથે મળીને સોમવારે સુપ્રીમ કોર્ટમાં ભારતના ચૂંટણી પંચ સામે અરજી દાખલ કરી. આ અરજી SIR અને ચૂંટણીમાં કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને દાખલ કરવામાં આવી છે. જોકે, રાહુલ ગાંધી પોતે સુપ્રીમ કોર્ટમાં જઈને અરજી દાખલ કરી શક્યા નહોતા, તેથી તેમના વકીલ એસ. પ્રસન્નાએ આ અરજી દાખલ કરી. તેમાં ECI, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય બે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશીને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.
INDIA ગઠબંધનની અરજીમાં શું કહેવામાં આવ્યું છે
મતદાર યાદીના ચાલી રહેલા ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દરમિયાન CEC જ્ઞાનેશ કુમાર દ્વારા ચૂંટણી પંચની સામૂહિક સત્તાઓના “એકતરફી અને મનસ્વી ઉપયોગ”, ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા તથા લાયક નાગરિકોના મતદાર તરીકે નોંધણી કરાવવાના અને મતદાન કરવાના બંધારણીય અધિકારના કથિત ઉલ્લંઘન અંગે આ અરજીમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
INDIA ગઠબંધનની અરજીની 10 મુખ્ય માગણીઓ
– મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને બંધારણની કલમ 324 હેઠળ ચૂંટણી પંચની સત્તાઓના ઉપયોગની કાયદેસરતાની તપાસ કરવામાં આવે.
– દેશભરમાં મતદાર યાદીના વિશેષ પુનરીક્ષણની પ્રક્રિયા પર વચગાળાનો પ્રતિબંધ મૂકવામાં આવે.
– ચૂંટણી પંચને SIR સંબંધિત તમામ આંતરિક રેકોર્ડ અને ફાઇલો કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવે.
– મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર અન્ય ચૂંટણી કમિશનરોની જાણકારી, સંમતિ અથવા મંજૂરી વિના સામૂહિક સત્તાઓનો કથિત રીતે એકલા ઉપયોગ કરવાના આરોપોની તપાસ કરવામાં આવે.
– મતદાર યાદીમાંથી મોટા પાયે નામો દૂર કરવા અને ચૂંટણીના ડેટાની પારદર્શિતાની તપાસ માટે સ્વતંત્ર સમિતિ દ્વારા ઓડિટ કરાવવામાં આવે.
– કથિત અનિયમિતતાઓ અને યોગ્ય પ્રક્રિયા વિના નામો કાપવા માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
– મતદારો દ્વારા નોંધાવવામાં આવેલી વાંધા અરજીઓ અને ફરિયાદોના નિવારણનો યોગ્ય અને પારદર્શક રેકોર્ડ રાખવાનો નિર્દેશ આપવામાં આવે.
– કોઈ પણ મતદારને અગાઉથી નોટિસ આપ્યા વિના, સુનાવણીની તક આપ્યા વિના અથવા નામની પુનઃસ્થાપના માટે અસરકારક વ્યવસ્થા વિના મતદાર યાદીમાંથી દૂર કરવામાં ન આવે.
– નિયમોમાં સુધારો કર્યા વિના કાયદેસરના ‘ફોર્મ 6’ (Form 6)માં કરવામાં આવેલા ગેરકાયદેસર ફેરફારોની સમીક્ષા કરીને તેમને રદ કરવાની માગણી કરવામાં આવે.
– ચૂંટણી પંચના કેન્દ્રીયકૃત IT ડિવિઝન દ્વારા સંચાલિત ‘ECINET’ અને ‘ERONET’ ડેટાબેઝની પ્રણાલીની સમીક્ષા કરવામાં આવે, જેથી ચૂંટણી નોંધણી અધિકારીઓની સ્વતંત્ર ભૂમિકા સુરક્ષિત રહે.
અરજીમાં કુલ 11 પિટિશનર્સ
રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત આ અરજીમાં અખિલેશ યાદવ (SP), સૌગત રાય (TMC), ડી. રાજા (CPI), તેજસ્વી પ્રસાદ યાદવ (RJD), સંજય રાઉત (Shiv Sena-UBT), એમ.એ. બેબી (CPI-M), મહુઆ માજી (JMM), સુપ્રિયા સુળે (NCP-SP) અને ઈ.ટી. મોહમ્મદ બશીર (IUML) સામેલ છે. સૌથી ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આમ આદમી પાર્ટી તરફથી આ અરજીમાં કોઈનું નામ નથી. બીજી તરફ, આ અરજીમાં ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા, જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

