JP Nadda Bengal Visit: પશ્ચિમ બંગાળમાં આઈ-પેક (I-PAC)ની ઓફિસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા બાદ જ્યાં ભાજપ અને ટીએમસી આમને-સામને આવી ગયા છે, ત્યાં બીજી તરફ બંગાળના પ્રવાસે પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ જોરદાર હુમલો કર્યો છે. કેન્દ્રમાં આરોગ્ય મંત્રીની જવાબદારી સંભાળી રહેલા નડ્ડાએ અત્યંત આક્રમક અંદાજમાં કહ્યું કે ત્રણ રાજ્યો એવા હતા, જેમણે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના લાગુ કરી નહોતી. બે રાજ્યોમાં કમળ ખીલી ચૂક્યું છે. નડ્ડાએ કહ્યું કે મને પૂરો ભરોસો છે કે બંગાળમાં કમળ ખીલીને જ રહેશે. નડ્ડાએ આ દરમિયાન આપ (AAP)ના સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર પણ કટાક્ષ કર્યો હતો.
નડ્ડાએ કહ્યું, ‘હોબે ના’ નું ‘હોબે’ થશે
બંગાળના પ્રવાસે પહોંચેલા જે.પી. નડ્ડાએ એક કાર્યક્રમમાં કહ્યું કે ત્રણ રાજ્યો એવા હતા, જેમણે આયુષ્માન ભારતને આવવા ન દીધું. પહેલું રાજ્ય ઓડિશા હતું. નવીન પટનાયકે તેને નકારી કાઢી હતી. લોકોએ તેમને જ રિજેક્ટ કરી દીધા. નડ્ડાએ કહ્યું કે બીજું રાજ્ય દિલ્હી હતું. કેજરીવાલે કહ્યું કે નથી જોઈએ, નથી જોઈએ, પરંતુ દિલ્હીએ કહી દીધું કે તું જ નથી જોઈતો. દિલ્હીમાં પણ કમળ ખીલ્યું અને આયુષ્માન ભારત પહોંચ્યું. નડ્ડાએ આગળ કહ્યું કે ત્રીજું રાજ્ય બંગાળ છે. તેમણે કહ્યું કે મને માત્ર આશાનું કિરણ જ નહીં પરંતુ પૂરો વિશ્વાસ છે કે અહીં પણ કમળ ખીલશે અને આયુષ્માન ભારત આવશે. તેમણે ટીએમસી સુપ્રીમોના ‘હોબે ના’ (નહીં થાય) નો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘હોબે ના’ નું ‘હોબે’ (થશે) થશે.
શું છે આયુષ્માન ભારત યોજના?
આયુષ્માન ભારત યોજનાને 2018માં પીએમ મોદીએ રાંચી, ઝારખંડથી શરૂ કરી હતી. આ યોજનાનું પૂરું નામ PMJAY-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે. તેનો ઉદ્દેશ્ય દેશના ગરીબ અને નબળા પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ આપવાનો છે. પશ્ચિમ બંગાળે કેન્દ્રની આ યોજના લાગુ કરી નથી. પશ્ચિમ બંગાળ સરકારની પોતાની યોજના છે. તેનું નામ ‘સ્વાસ્થ્ય સાથી’ છે. પશ્ચિમ બંગાળે જાન્યુઆરી, 2019માં આયુષ્માન ભારત યોજનામાંથી પોતાને અલગ કરી લીધું હતું. સ્વાસ્થ્ય સાથી યોજનામાં દરેક પરિવારને 5 લાખ રૂપિયા સુધીનું ફ્રી હેલ્થ કવરેજ આપવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તેનું કાર્ડ પરિવારની મહિલા સભ્યને આપવામાં આવે છે. પરિવારના તમામ સભ્યો આ યોજનાના દાયરામાં આવે છે.

