Khaleda Zia Funeral Bangladesh: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. વિદેશ મંત્રી ૩૧ ડિસેમ્બરે ઢાકા રવાના થશે. બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું મંગળવારે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. તેઓ ૮૦ વર્ષના હતા.
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં ભારત સરકાર અને ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરશે.
પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ઢાકામા પૂર્વ વડાપ્રધાન અને BNP ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના નિધનના સમાચાર સાંભળીને ઊંડું દુઃખ થયું. તેમના પરિવાર અને બાંગ્લાદેશના તમામ લોકો પ્રત્યે અમારી હાર્દિક સંવેદના. ઈશ્વર તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.’
૨૦૧૫ ની મુલાકાતને યાદ કરી
બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં તેમના યોગદાન પર પીએમ મોદીએ લખ્યું, ‘બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે બાંગ્લાદેશના વિકાસ અને ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. મને ૨૦૧૫ માં ઢાકામા તેમની સાથે થયેલી સૌહાર્દપૂર્ણ મુલાકાત યાદ છે. અમે આશા રાખીએ છીએ કે તેમની દૂરદ્રષ્ટિ અને વારસો આપણી ભાગીદારીને આગળ પણ દિશા આપતા રહેશે.’
આ વર્ષે મે મહિનામાં બાંગ્લાદેશ પરત ફર્યા હતા
ખાલિદા ઝિયા બ્રિટનમાં સારવાર કરાવ્યા બાદ મે મહિનામાં દેશ પરત ફર્યા હતા. અગાઉ, જાન્યુઆરીની શરૂઆતમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેમને વિદેશ પ્રવાસની મંજૂરી આપી હતી. શેખ હસીનાની સરકારે અગાઉ ઓછામાં ઓછી ૧૮ વખત તેમની વિદેશ જવાની વિનંતી ફગાવી દીધી હતી.
પાર્ટીએ સાત દિવસના શોકની જાહેરાત કરી
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ તેમના નિધન બાદ સાત દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી છે. BNP ની કેન્દ્રીય કચેરી અને જિલ્લા કચેરીઓમાં શોક પુસ્તિકાઓ રાખવામાં આવી છે જેથી સભ્યો અને જનતા તેમને શ્રદ્ધાંજલિ આપી શકે.
વચગાળાની સરકારના મુખ્ય સલાહકારે શું કહ્યું?
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે દેશમાં ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. યુનુસે ટીવી પર આપેલા સંદેશમાં જણાવ્યું હતું કે, ‘પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા ઝિયાના નિધન પર હું ત્રણ દિવસના રાજકીય શોક અને આવતીકાલે તેમની નમાઝ-એ-જનાજાના દિવસે જાહેર રજાની જાહેરાત કરું છું.’

