સ્વાસ્થ્ય વીમાના નિયમોમાં મોટો બદલાવ, સ્વાસ્થ્ય વીમામાં હવે ઉમરબાધ નહીં
નવી દિલ્હી, તા. 21 : આજની દોડધામભરી જીવનશૈલીમાં સ્વાસ્થ્યને લગતા પ્રશ્નોમાં પણ વધારો થયો છે ત્યારે જીવન વીમાની સાથે સ્વાસ્થ્ય વીમા પોલિસી અંગે પણ લોકો જાગૃત થયા છે, તે વચ્ચે વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ઈરડાએ સ્વાસ્થ્ય વીમાના નિયમોમાં મોટો બદલાવ કરતાં હવે કોઈપણ ઉમરની વ્યક્તિ પણ સ્વાસ્થ્ય વીમા પોલિસી લઈ શકે છે, જે પહેલાં 65 વર્ષ સુધી વય માટે મર્યાદિત હતી. તે ઉપરાંત આયુર્વેદ સહિતની સારવાર પદ્ધતિનો પણ તેમા સમાવેશ કરવામાં આવ્યો છ. આ નિયમ 1 એપ્રિલથી જ લાગુ કરાયો છે. એક મીડિયા હેવાલ મુજબ, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઈરડા)એ ભારતના લોકોના સ્વાસ્થ્યની સંભાળ અને વીમા કંપનીઓને પોલિસી ઉત્પાદનોમાં લવચિકતા મળી રહે તેવા હેતુથી હેલ્થ ઈન્સ્યોરન્સના નિયમોમાં હાલમાં કરેલા ફેરફારમાં હવેથી 65 વર્ષથી વધુની ઉમર ધરાવતી વ્યક્તિ પણ નવો સ્વાસ્થ્ય વીમો લઈ શકશે.
તે ઉપરાંત કેન્સર, હૃદય અને એઈડ્સ સહિતની બીમારીઓને પણ તેમાં આવરી શકાશે. ઈરડાએ વધુમાં જણાવ્યું હતું કે, વીમાધારકને સુવિધા મળી રહે તે માટે વીમાના પ્રીમિયમનું ચૂકવણું કરવા માટે હપ્તા પદ્ધતિની પણ છૂટ મળશે. જો કે, યાત્રા પોલિસી માત્ર સામાન્ય અને સ્વાસ્થ્ય વીમા કંપનીઓ દ્વારા જ જારી કરી શકાશે, પણ સારવાર કવરેજ પર કોઈ સીમા રહેશે નહીં. જુદી-જુદી ઉપચાર પદ્ધતિનો સમાવેશ કરતા ફેરફારમાં હવેથી આયુર્વેદ, યોગ, પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, હોમિયોપેથી જેવી ચિકિત્સા પદ્ધતિ તળે થતી સારવારમાં પણ કવરેજ મળશે. વધુમાં વીમાના પ્રતીક્ષાના સમયગાળાને 48 મહિનાથી 36 મહિના કરાયો છે.
