નવી દિલ્હી, તા. 28 : બજેટ પછી આજે પહેલીવાર `મન કી બાત’ કાર્યક્રમનો 112મો એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિક, મેથ્સ ઓલિમ્પિયાડ, આસામ મોઈદમ, ટાઈગર-ડે, જંગલોના સંરક્ષણ અને સ્વતંત્રતા દિવસ પર વાત કરી હતી. તેમણે હેન્ડલૂમ અંગે પણ ચર્ચા કરી હતી. દર વર્ષે સાતમી ઓગસ્ટના રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઊજવવામાં આવે છે. પીએમએ કહ્યું, સ્વતંત્રતા દિવસના અવસરે ખાદીથી બનેલું કાપડ ચોક્કસ ખરીદો. વડાપ્રધાને 15 ઓગસ્ટના ભાષણમાં આવરી લેવાયેલા વિષયો પર સૂચનો પણ માગ્યા છે.

મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેથ્સ ઓલિમ્પિયાડના વિજેતાઓ સાથે વાત કરી હતી. આ વર્ષે ઈંગ્લેન્ડના બાથમાં 65મી ઈન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારતના છ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આ ઓલિમ્પિયાડમાં ભારતે ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. મન કી બાત કાર્યક્રમમાં મોદીએ ચાર વિદ્યાર્થી સાથે વાત કરી હતી. વાઘના સંરક્ષણ વિશે પણ વાત કરતાં વડાપ્રધાને કહ્યું, આવતીકાલે સમગ્ર વિશ્વમાં ટાઈગર-ડેની ઉજવણી કરવામાં આવશે. ભારતમાં વાઘ આપણી સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે.

