નવી દિલ્હી, તા. 26 : 75મા બંધારણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એક કાર્યક્રમમાં સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીયોને તુરંત ન્યાય મળે તે માટે નવી ન્યાયસંહિતા લાગુ કરવામાં આવી છે. સજા આધારિત વ્યવસ્થા હવે ન્યાય આધારિત વ્યવસ્થામાં બદલાઇ ગઇ છે. બંધારણ દેશનું પથદર્શક છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત બંધારણ દિવસની ઉજવણી કરાઇ હતી. જમ્મુ-કાશ્મીરમાં આજે 1950 પછી પ્રથમ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ કાર્યક્રમનું નેતૃત્વ કર્યુ હતું. મોદીએ કહ્યું હતું કે, આપણા બંધારણના ઘડવૈયા જાણતા હતા કે ભારતની આકાંક્ષાઓ, સપનાઓ સમય સાથે નવી ઊંચાઇએ પહોંચશે. તેમણે આપણા બંધારણને માત્ર કાયદાના પુસ્તક તરીકે નથી રાખ્યું, પરંતુ તેને જીવંત સતત વહેતા પ્રવાહ સમાન બનાવ્યું છે. આપણા બંધારણે દેશની દરેક અપેક્ષાઓ અને જરૂરિયાતો પૂરી કરી છે. બંધારણની તાકાતને કારણે જ આજે જમ્મુ-કાશ્મીરમાં બાબાસાહેબનું બંધારણ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે ભારત પરિવર્તનના એક મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને ભારતનું બંધારણ આપણને માર્ગ બતાવી રહ્યું છે.
તે આપણા માટે માર્ગદર્શક બની ગયું છે. 26મી નવે. મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાને યાદ કરતાં મોદીએ જણાવ્યું કે, જ્યારે આપણે લોકશાહીના આ મહત્ત્વપૂર્ણ તહેવારને યાદ કરી રહ્યા છીએ ત્યારે એ પણ ન ભૂલી શકીએ કે આજે મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાની વર્ષગાંઠ છે. આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ?કરું છું. હું દેશના સંકલ્પનો પુનરોચ્ચાર કરું છે કે ભારતની સુરક્ષાને પડકારનારા આતંકવાદી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

