નવી દિલ્હી, તા. 9 : વક્ફ સંશોધન વિધેયકની ચર્ચા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે 31 સાંસદની સંયુક્ત સંસદીય સમિતિની ઘોષણા કરી હતી. આ 31માં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના સભ્યો છે. સમિતિ લોકસભાના આગામી અધિવેશનના પહેલા અઠવાડિયાના છેલ્લા દિવસે અહેવાલ સુપરત કરશે. ગઇકાલે લોકસભામાં સંસદીય કાર્યપ્રધાન કિરણ રિજ્જે વકફ સંશોધન વિધેયક રજૂ કર્યું હતું, જેનો વિપક્ષે વિરોધ કર્યા બાદ રિજ્જુએ આ વિધેયક સંયુક્ત સંસદીય સમિતિને સુપરત કરવાની ભલામણ કરી હતી, જેનાં પગલે બિરલાએ આજે સમિતિની નિમણૂક કરી હતી. લોકસભાના 21 સભ્યનાં નામની ભલામણ રિજ્જુએ કરી હતી તેમજ રાજ્યસભાના દસ સભ્યનાં નામ આપવાની અપીલ કરી હતી.

આ સમિતિ વકફ સંશોધન વિધેયકની વિવિધ જોગવાઇઓ પર ચર્ચા-વિચારણા કરશે, સંબંધિત પક્ષની રજૂઆતો સાંભળશે અને આખરી વિધેયક તૈયાર કરશે. સંયુક્ત સંસદીય સમિતિમાં લોકસભાના 21 સભ્યમાં ભાજપ તરફથી આઠ સભ્યમાં નિશિકાંત દુબે, તેજસ્વિ સૂર્યા, અપરાજિતા સારંગી, જગદંબિકા પાલ, સંજય જયસ્વાલ, દિલીપ સાઇક્યા, અભિજિત ગંગોપાધ્યાય અને ડી. કે. અરુણા ઉપરાંત કોંગ્રેસ તરફથી ત્રણ સભ્યમાં ગૌરવ ગોગોઇ, મોહંમદ જાવેદ અને ઇમરાન મસૂદ તેમજ એમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી, સમાજવાદી પાર્ટીના મૌલાના મોહિબુલ્લા નદવી, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનરજી, ડીએમકેના એ. રાજા, ટીડીપીના લાવુ શ્રીકૃષ્ણા દેવરાયાલુ, જેડીયુના દિલેશ્વર કામૈત, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના અરવિંદ સાવંત, એનસીપી (શરદ પવાર જૂથ)ના સુરેશ મ્હાત્રે, શિવસેના (શિંદે જૂથ)ના નરેશ મ્હસ્કે અને એલજેપી (રામવિલાસ જૂથ)ના અરુણ ભારતીનો સમાવેશ થાય છે. રાજ્યસભાના દસ સભ્યોમાં ભાજપના ચાર સભ્યોમાં બ્રિજલાલ, ડો. મેધા કુલકર્ણી, ગુલામ અલી અને ડો. રાધામોહન દાસ અગ્રવાલ ઉપરાંત કોંગ્રેસના સૈયદ નાસીર હુસૈન, તૃણમૂલના મોહંમદ નદીમ ઉલ હક, વાયએસઆર કોંગ્રેસના વી. વિજયાસાઇ રેડ્ડી, ડીએમકેના એમ. મોહંમદ અબ્દુલ્લા, આપના સંજયસિંહ અને નામાંકિત સભ્ય ડો. ધર્મસ્થલા વીરેન્દ્ર હેગડેનો સમાવેશ કરાયો છે.

