નવી દિલ્હી, તા. 13 : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહની રાજધાની પોર્ટ બ્લેયરનું નામ બદલીને શ્રી વિજયપુરમ કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે `એકસ’ પર એક પોસ્ટમાં પોર્ટ બ્લેયરનું નામ બદલવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અંતર્ગત દેશને સામ્રાજ્યવાદી ઓળખથી મુક્ત કરવા માટે અમે પોર્ટ બ્લેયરનું નામ બદલીને શ્રી વિજયપુરમ કરવાનો નિર્ણય લીધો છે. ગુલામીનું વધુ એક નિશાન હટાવાયું છે.
વધુમાં તેમણે લખ્યું હતું કે, પહેલાનાં નામમાં સામ્રાજ્યવાદી વિરાસત દેખાડી હતી. વિજયપુરમ સ્વતંત્રતા સંગ્રામમાં મેળવેલો વિજય અને તેમાં આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહની ભૂમિકા અદ્વિતીય છે. આંદામાન-નિકોબાર દ્વીપસમૂહનું આપણા સ્વતંત્રતા સંગ્રામ અને ઇતિહાસમાં અજોડ સ્થાન છે. આ દ્વીપ ક્ષેત્ર જે કયારેક ચોલ સામ્રાજ્યમાં નૌસેનિક મથકના સ્વરૂપમાં કાર્ય કરતું હતું. આજે આપણા વ્યૂહાત્મક અને વિકાસની આકાંક્ષાઓ માટે મહત્ત્વપૂર્ણ આધાર બનવા માટે તૈયાર છે. આ તે સ્થાન છે જ્યાં, નેતાજી સુભાષચન્દ્ર બોઝે પ્રથમ વખત ત્રિરંગો ફરકાવ્યો હતો અને સેલ્યુલર જેલ પણ છે જ્યાં વીર સાવરકર અને સ્વતંત્રતા સેનાનીઓએ એક સ્વતંત્ર રાષ્ટ્ર માટે સંઘર્ષ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠ્ઠાવલેએ કહ્યું હતું કે, પોર્ટ બ્લેયર અંગ્રેજોએ આપેલું નામ છે.

પોર્ટ બ્લેયર સામ્રાજ્યવાદી નામ હતું. તેમાં અંગ્રેજો કાળા પાણીની સજાવાળા કેદીઓ પર અત્યાચાર કરતા હતા. તેનું નવું નામ શ્રી વિજયપુરમ સ્વતંત્રતા સંગ્રામની સ્મૃતિમાં છે. અંગ્રેજોને હાંકવાનું કાર્ય આપણે લોકોએ કર્યું હતું. મહાત્મા ગાંધી અને ડો. ભીમરાવ આંબેડકરે અંગ્રેજો વિરુદ્ધ લડાઇ કરી હતી. અમિત શાહનો આ નિર્ણય એક સ્વાગત યોગ્ય પગલું છે. આ પગલાંનું સમર્થન કરીએ છીએ.

