નવી દિલ્હી, તા. 28 : કોલકાતામાં તબીબ પર દુષ્કર્મ અને હત્યાની દેશભરમાં આક્રોશ ફેલાવનાર ઘટના બન્યાના 20 દિવસ બાદ બુધવારે આ શરમજનક ઘટના પર પહેલીવાર નિવેદન આપતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ હું ભારે ભયભીત અને નિરાશા છું. બસ, હવે બહુ થઇ ગયું. કોઇપણ સભ્ય સમાજ પોતાની બહેન દીકરીઓ પર આવા અત્યાચારોની છૂટ નથી આપતો, તેવું મુર્મૂએ કહ્યું હતું.

એવું પહેલીવાર થયું છે, જ્યારે કોઇ રાષ્ટ્રપતિએ આવા અપરાધની ઘટના પર નિવેદન આપ્યું હોય. તેમણે કહ્યું હતું કે, છાત્રો, તબીબો, નાગરિકો કોલકાતામાં વિરોધ કરતા હતા, ત્યારે બીજાં સ્થળોએ અપરાધી સક્રિય હતા. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સમાજે પ્રામાણિકતા અને નિષ્પક્ષ વલણ સાથે આત્મ મૂલ્યાંકન કરવાની જરૂર છે. લોકોએ ખુદને કેટલાક કઠીન સવાલ હવે પૂછવા જ પડશે.
નિર્ભયાકાંડ પછીનાં 12 વર્ષમાં દુષ્કર્મની અનેક ઘટનાઓને સમાજ ભૂલી ગયો છે. સમાજની ભૂલવાની સામૂહિક આદત ઘૃણાસ્પદ છે, તેવું તેમણે ઉમેર્યું હતું. ઇતિહાસનો સામનો કરવાથી ડરતો સમાજ જ આવા અપરાધોને ભૂલવાનો આશ્રય લે છે. વિકૃતિનો સૌ સાથે મળીને સામનો કરે, તેવું સૂચન મુર્મૂએ કર્યું છે. ઘૃણાસ્પદ માનસિકતાવાળા લોકો મહિલાને પુરુષ કરતાં ઓછી શકિતશાળી, ઓછી બુદ્ધિશાળી માનવાની ભૂલ કરતા હોય છે, તેવું રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું હતું.

