નવી દિલ્હી, તા. 27 : `વિકસિત ભારત 2047’ની થીમ પર આયોજિત નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં રાજ્યોની ભૂમિકા મહત્ત્વની છે. ભારતને વિકસિત બનાવવાની મહત્ત્વાકાંક્ષા દરેક ભારતીયની છે અને રાજ્યો આ લક્ષ્ય હાંસલ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી શકે. કેમ કે, તેઓ લોકો સાથે સીધી રીતે જોડાયેલા છે. મમતા બેનરજીના વોકઆઉટથી હાઈડ્રામાની સાક્ષી બનેલી બેઠકમાં પીએમે કહ્યું કે, ભારત એક યુવા દેશ છે.

પોતાના કાર્યબળને કારણે તે આખી દુનિયા માટે આકર્ષણરૂપ છે. આપણે યુવાઓને કુશળ અને રોજગાર યોગ્ય કાર્યબળ બનાવવા તરફ ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે, આ દશક પરિવર્તનો, ટેકનિકલ અને ભૂ-રાજકીય અવસરોનો પણ છે. ભારતે આ અવસરોનો ફાયદો ઉઠાવવો જોઈએ અને પોતાની નીતિઓને આંતરરાષ્ટ્રીય રોકાણોને અનુકૂળ બનાવવી જોઈએ, તે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક સીડી સમાન છે. મોદીએ કહ્યું, આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ. આપણે 100 વર્ષમાં એક વખત આવતી મહામારીને હરાવી છે. આપણા લોકો ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરેલા છે.

