નવી દિલ્હી, તા. 1 : ગુજરાતમાં થયેલા ભારે વરસાદથી રાજ્ય હજી સુધી પૂરું પાટા પર ચડયું નથી તેવામાં બંગાળની ખાડીની હલચલે દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશ અને તેલંગણમાં વરસાદે લોકોની પરેશાની વધારી દીધી છે. તેલંગણમાં ટ્રેન સેવા અસરગ્રસ્ત થઈ છે. મહબૂબાબાદ જિલ્લા સ્થિત કેસમુદ્રમને જોડતો રેલવે ટ્રેક પુરી રીતે જળમગ્ન થયો હતો. જેનાં કારણે વિજયવાડાથી વારંગલ અને દિલ્હીથી વિજયવાડા જનારી ટ્રેનોને રોકી દેવામાં આવી હતી.
બીજી તરફ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદના કારણે આઠ લોકોનાં મૃત્યુ થયાં છે. બંને રાજ્યનાં 400 ગામ ડૂબી ગયાં હતાં અને 23 જેટલાં મૃત્યુ થયા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. 100થી વધુ ટ્રેન રદ કરવામાં આવી હતી. આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં સતત ભારે વરસાદે સામાન્ય જ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરી મદદની ધરપત આપી હતી. વરસાદને ધ્યાને લઈને તેલંગણના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તમામ અધિકારીઓને સંભવિત ઘટનાઓને રોકવા માટે સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારમાં રહેતા લોકોને શિબિરોમાં જવાની સલાહ આપી હતી. હૈદરાબાદ સ્થિત હવામાન વિભાગે જાણકારી આપી છે કે આદિલાબાદ, નિઝામાબાદ, કમારેડ્ડી, મહબૂબનગર, નારાયણપેટ સહિતના જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે અને તેને ધ્યાને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશમાં થયેલા ભારે વરસાદનાં કારણે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાંથી પાંચ મૃત્યુ વિજયવાડામાં ભૂસ્ખલનનાં કારણે થયા છે. ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ 5-5 લાખ રૂપિયાની સહાયતા રકમ આપવાની ઘોષણા કરી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે વિજયવાડા સહિત સમગ્ર આંધ્રપ્રદેશમાં 24 કલાકથી સતત વરસાદ વરસ્યો છે. – વિરામ પૂરો… કચ્છ સહિત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ તોળાય છે : અમદાવાદ, તા. 1 : કચ્છ સહિત ગુજરાતમાં ભારે વરસાદે હાલ વિરામ લીધો છે, પણ ભારે વરસાદનો નવો રાઉન્ડ તોળાઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત સપ્ટેમ્બર સુધી ગુજરાત સહિત 10 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડીએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, કેરલ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બે અને ત્રણ તારીખે કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 2 સપ્ટેમ્બરની આગાહી : કેન્દ્રીય હવામાન વિભાગ મુજબ આવતી કાલે (2 સપ્ટેમ્બર) મહારાષ્ટ્રના વિદર્ભમાં અતિભારે વરસાદને લઈને રેડએલર્ટ અને પશ્ચિમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના મરાઠવાડા, તેલંગાણા, ગુજરાતના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભાગમાં આસામા અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3-7 સપ્ટેમ્બરની આગાહી : ત્રણ સપ્ટેમ્બરે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 3-7 સપ્ટેમ્બર દરમ્યાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કોંકણ-ગોવા, અરુણાચલ પ્રદેશ, આસામ-મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવતીકાલે અને ત્રણ સપ્ટેમ્બરના ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે, જ્યારે પાંચ સપ્ટેમ્બર પછી રાજ્યમાં રાહત રહેશે.

