મુંબઈની ઉત્તર પશ્ર્ચિમની બેઠક પર 48 મતોની પાતળી સરસાઈની જીત વિવાદમાં હોવાથી શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે સોમવારે જણાવ્યું હતું કે શિવસેનાના નેતા રવિન્દ્ર વાયકરને લોકસભાના સભ્ય તરીકે શપથ લેતા રોકવા જોઈએ.

મુંબઈની વનરાઈ પોલીસે 4 જૂને જ્યારે સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે ગોરેગાંવ (જે વાયકરના મતવિસ્તારનો એક ભાગ છે)ના એક મતગણતરી કેન્દ્રમાં કથિત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ વાયકરના સાળા વિરુદ્ધ કેસ નોંધ્યો છે એમ જણાવતાં રાઉતે કહ્યું હતું કે ચૂંટણીમાં વાયકરનો વિજય અત્યારે શંકાના દાયરામાં છે અને મુંબઈના વનરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચૂંટણીના પરિણામોને લઈને ચાલી રહેલા વિવાદને કારણે વાયકરને લોકસભાના સભ્ય તરીકે શપથ લેતા રોકવા જોઈએ.

