SIR Election Commission Dispute: SIRને લઈને ECIમાં મતભેદ, બે ચૂંટણી કમિશનરોએ 10 મહિનામાં 14 વખત નોંધાવ્યો વાંધો

Arati Parmar
11 Min Read

SIR Election Commission Dispute: કેન્દ્રીય ચૂંટણી પંચ એટલે કે ECIમાં ચૂંટણી મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે Special Intensive Revision (SIR)ને લઈને આંતરિક મતભેદ હવે સામે આવ્યા છે. બુધવાર, 23 સપ્ટેમ્બરે પ્રકાશિત થયેલા ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક વિશેષ અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં પંચના નિર્ણયો અને પ્રક્રિયાઓ સામે ઓછામાં ઓછા 14 વખત લેખિત વાંધા નોંધાવ્યા છે. આમાંથી એક જ દિવસે ચાર વાંધા નોંધાવવામાં આવ્યા હતા.

બંને ચૂંટણી કમિશનરોના વાંધા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પણ મોકલવામાં આવ્યા હતા. આ વાંધાઓ નવા મતદારોની નોંધણી, મતદાર યાદીમાંથી નામ હટાવવા અને ઉમેરવા, પશ્ચિમ બંગાળમાં SIR સાથે જોડાયેલી અપીલો, મતદાર ડેટા સુધી અધિકારીઓની પહોંચ અને ચૂંટણી સોફ્ટવેરના સંચાલન જેવા અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે સંબંધિત હતા.

- Advertisement -

અહેવાલ મુજબ, SIRની શરૂઆત જૂન 2025માં બિહારથી થઈ હતી અને બાદમાં તેને દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી વિસ્તૃત કરવામાં આવ્યું. આ પ્રક્રિયામાં ડ્રાફ્ટ મતદાર યાદીઓમાંથી 13 કરોડથી વધુ નામ દૂર કરવામાં આવ્યા, જેના કારણે મતદાર યાદીની ચોકસાઈ અને પાત્ર મતદારોના અધિકારને લઈને દેશભરમાં ચર્ચા થઈ.

ફોર્મ 6માં ફેરફાર સામે વાંધો

બંને ચૂંટણી કમિશનરોના સૌથી મહત્વપૂર્ણ વાંધાઓમાંથી એક નવા મતદારોની નોંધણી માટે ઉપયોગમાં લેવાતા Form-6માં કરવામાં આવેલા ફેરફાર સાથે જોડાયેલો છે.

- Advertisement -

અહેવાલ મુજબ, જુલાઈ 2026માં Form-6માં એક નવો સવાલ ઉમેરવામાં આવ્યો હતો. તેમાં નવા મતદારને પૂછવામાં આવતું હતું કે શું તે પોતે અથવા તેના માતા-પિતા કે દાદા-દાદી અગાઉના SIRની મતદાર યાદીમાં સામેલ હતા. આ સવાલનો જવાબ આપ્યા વિના અરજી આગળ વધારવી શક્ય નહોતી.

વિવેક જોશીએ મે મહિનામાં જ ફાઇલ પર લખીને વાંધો નોંધાવ્યો હતો કે સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કર્યા વિના Form-6માં આ પ્રકારનો ફેરફાર કરી શકાય નહીં. સુખબીર સિંહ સંધૂએ પણ આ અભિપ્રાય સાથે સંમતિ દર્શાવી હતી. તેમ છતાં આ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો. બાદમાં 13 ઑગસ્ટે સંધૂએ તેને “અનધિકૃત અને ગેરકાયદેસર” ગણાવીને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી. અહેવાલ અનુસાર, 21 સપ્ટેમ્બરની સવાર સુધી આ સવાલ Form-6માં હાજર હતો. એટલે કે ધ ઇન્ડિયન એક્સપ્રેસ જ્યારે આ અહેવાલ તૈયાર કરી રહ્યું હતું, ત્યાં સુધી આ સવાલ તેમાં હાજર હતો.

- Advertisement -

મતદાર ડેટાના કેન્દ્રીકરણ પર સવાલ

બીજો મોટો વિવાદ મતદાર યાદીના ડિજિટલ ડેટાબેઝ સુધી અધિકારીઓની પહોંચને લઈને છે. ચૂંટણી પંચ લાંબા સમયથી એવી વ્યવસ્થા દર્શાવતું રહ્યું છે કે મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા વિકેન્દ્રિત છે. દરેક મતવિસ્તારની મતદાર યાદીની જવાબદારી સંબંધિત Electoral Registration Officer (ERO)ની હોય છે. સામાન્ય રીતે આ અધિકારી સંબંધિત વિસ્તારના SDM હોય છે. મતદાર યાદીના સંચાલન માટે અગાઉ ERONet અને ત્યારબાદ ECINet જેવી ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ, વિવેક જોશીએ મે મહિનામાં ચિંતા વ્યક્ત કરી હતી કે મતદાર ડેટાબેઝનું ધીમે ધીમે કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. તેમણે સૂચન કર્યું હતું કે તેનું ઓડિટ કરાવવામાં આવે, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે સંબંધિત કાયદેસર અધિકારીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પાસે મતદાર ડેટાબેઝમાં ફેરફાર કરવા માટે લૉગિન અધિકાર ન હોય.

ઑગસ્ટમાં સંધૂએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્ય સ્તરના ચૂંટણી અધિકારીઓ તરફથી તેમને ફરિયાદો મળી છે કે તેમને ERONet પર સંપૂર્ણ અને યોગ્ય પહોંચ મળી રહી નથી. સંધૂએ એ સવાલ પણ ઉઠાવ્યો હતો કે ચૂંટણી પંચની IT મહાનિર્દેશક સીમા ખન્ના પાસે કાયદેસર અધિકારીઓને આપવામાં આવેલી કાનૂની પહોંચને મર્યાદિત કરવાનો અધિકાર શું છે.

પશ્ચિમ બંગાળમાં 38 લાખ અપીલોનો મામલો

બંને ચૂંટણી કમિશનરોના વાંધાઓમાં પશ્ચિમ બંગાળનું SIR પણ મહત્વપૂર્ણ મુદ્દો રહ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં લગભગ 60 લાખ મતદારોને “logical discrepancies”ના આધારે ઓળખવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2026માં સુપ્રીમ કોર્ટે SIRના અંતિમ તબક્કામાં ન્યાયિક અધિકારીઓની ભૂમિકા નક્કી કરી હતી. બાદમાં લગભગ 27 લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા અને આ મામલાઓમાં અપીલ માટે નિવૃત્ત હાઈ કોર્ટના ન્યાયાધીશોની અધ્યક્ષતાવાળા ટ્રિબ્યુનલ બનાવવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચે ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ મામલાઓમાં લગભગ 38 લાખ અપીલો પેન્ડિંગ હતી. જેમાં:

  • 22.21 લાખ અપીલો એવા મતદારોની હતી જેમના નામ દૂર કરવામાં આવ્યા હતા અને તેઓ પુનઃસ્થાપન ઇચ્છતા હતા.
  • 16.10 લાખ અપીલો એવા મતદારો સામે હતી જેમને ન્યાયિક અધિકારીઓએ મતદાર યાદીમાં સામેલ કર્યા હતા અને જેમના નામ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.

સંધૂએ આ બીજા ભાગ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે ઑગસ્ટમાં પંચના અધિકારીઓને પૂછ્યું હતું કે આ અપીલો ચૂંટણી પંચ તરફથી દાખલ કરવાની મંજૂરી કોણે આપી હતી અને તેને વાસ્તવમાં કોણે દાખલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, ન તો તેમને, ન વિવેક જોશીને અને ન તો પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્ય ચૂંટણી અધિકારીને આ અપીલોના આધાર અથવા પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી.

ગોવામાં સોફ્ટવેરના કારણે 97 મતદારોનો મામલો

પંચની અંદર મતદાર યાદીના સોફ્ટવેરને લઈને ઉઠેલી ચિંતાનું એક ઉદાહરણ ગોવામાં સામે આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરીએ નિર્દેશ આપ્યો હતો કે SIRમાં “logical discrepancy”ના કારણે ઓળખાયેલા મતદારોને દસ્તાવેજો રજૂ કરવા અને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે. ગોવામાં EROsએ આવા મામલાઓની સુનાવણી કરી હતી. દસ્તાવેજોના આધારે તેમણે 97 મતદારોને પાત્ર ગણ્યા હતા અને તેમને અંતિમ મતદાર યાદીમાં સામેલ કરવાના હતા. પરંતુ અહેવાલ મુજબ, ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરમાં EROના આ નિર્ણયને નોંધવાનો વિકલ્પ જ ઉપલબ્ધ નહોતો.

11થી 17 ફેબ્રુઆરી વચ્ચે ગોવાના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ આ સમસ્યા દૂર કરવા માટે વરિષ્ઠ ઉપ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ ભારતીને આઠ વખત પત્ર લખ્યો હતો. દરેક વખતે IT મહાનિર્દેશક સીમા ખન્નાને પણ પત્રની નકલ મોકલવામાં આવી હતી. અહેવાલ મુજબ, EROsને અગાઉ કરવામાં આવેલા deletionને પાછા ખેંચવા માટે જરૂરી “rollback” વિકલ્પ સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નહોતો. પરિણામે આ 97 પાત્ર મતદારોને અંતિમ મતદાર યાદીમાં સામેલ કરી શકાયા નહોતા.

પંચની કામગીરી પર પણ સવાલ

આ સમગ્ર વિવાદનું એક મહત્વપૂર્ણ પાસું ચૂંટણી પંચની આંતરિક નિર્ણય પ્રક્રિયા છે.

બંધારણના અનુચ્છેદ 324 હેઠળ ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. 2023ના કાયદા હેઠળ પંચની કામગીરી શક્ય હોય ત્યાં સુધી સર્વસંમતિથી થવાની છે. જો કોઈ મુદ્દે મતભેદ હોય તો બહુમતીના આધારે નિર્ણય લઈ શકાય છે. બીજી તરફ, પંચ પોતાની પ્રક્રિયા અને કામના વિભાજન અંગે સર્વસંમતિથી નિર્ણય કરે છે.

આ જ જોગવાઈનો ઉલ્લેખ કરીને સંધૂ અને જોશીએ પંચના અધિકારીઓને ઘણી વખત યાદ અપાવ્યું હતું કે પંચના નામે જારી કરવામાં આવતા સત્તાવાર સંચાર માટે જરૂરી મંજૂરી હોવી જોઈએ.

16 એપ્રિલે સંધૂએ વરિષ્ઠ અધિકારીઓને કહ્યું હતું કે પંચના નામે કેટલાક એવા સંચાર જારી કરવામાં આવી રહ્યા છે, જેને પંચની મંજૂરી મળી નથી. તેમણે આગળ આવા તમામ સંચાર માટે 2023ના કાયદા અનુસાર પંચની મંજૂરી જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેના આઠ દિવસ બાદ, 24 એપ્રિલે વિવેક જોશીએ પણ અધિકારીઓને આ જ પ્રકારનો વાંધો નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પંચના નામે જરૂરી મંજૂરી વિના અનેક સંચાર જારી કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં આવું થવું જોઈએ નહીં.

ચાર મહિના બાદ ત્રણેય કમિશનરોની બેઠક

અહેવાલ મુજબ, બંને કમિશનરોના સતત વાંધાઓ વચ્ચે 9 સપ્ટેમ્બરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીની પૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ હતી કારણ કે ત્રણેયની અગાઉની પૂર્ણ બેઠકને લગભગ ચાર મહિના વીતી ગયા હતા. જોકે, ધ ઇન્ડિયન એક્સપ્રેસના સવાલોના જવાબમાં ચૂંટણી પંચે એ સ્પષ્ટ કર્યું નહોતું કે બંને કમિશનરોના વાંધાઓ પર શું કાર્યવાહી કરવામાં આવી હતી અને શું આ મુદ્દાઓ પર 9 સપ્ટેમ્બરની બેઠકમાં ચર્ચા થઈ હતી.

અખબારે 21 સપ્ટેમ્બરે ચૂંટણી પંચને વિગતવાર સવાલો મોકલ્યા હતા. તેમાં પૂછવામાં આવ્યું હતું કે બંને ચૂંટણી કમિશનરો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓનું કેવી રીતે નિરાકરણ કરવામાં આવ્યું અને શું આ મુદ્દાઓ પર 9 સપ્ટેમ્બરની બેઠકમાં ચર્ચા થઈ હતી. આ અહેવાલ પ્રકાશિત થયો ત્યાં સુધી પંચ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. બંને ચૂંટણી કમિશનરો પાસેથી પણ પ્રતિભાવ માંગવામાં આવ્યો હતો, પરંતુ અહેવાલ અનુસાર તેમની તરફથી પણ કોઈ જવાબ મળ્યો નહોતો.

ચૂંટણી પંચમાં નિમણૂકોને લઈને પણ ઓછો વિવાદ નથી

અહેવાલમાં પંચના વર્તમાન ત્રણેય સભ્યોની નિમણૂકની પૃષ્ઠભૂમિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ત્રણેયની નિમણૂક 2023ના કાયદા હેઠળ NDA સરકારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. નિમણૂક પ્રક્રિયામાં વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા ધરાવતી પસંદગી સમિતિની ભૂમિકા હોય છે.

માર્ચ 2024માં સુખબીર સિંહ સંધૂ અને જ્ઞાનેશ કુમારની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારે તત્કાલીન લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ નિમણૂક પ્રક્રિયા સામે અસંમતિ નોંધાવી હતી.

ફેબ્રુઆરી 2025માં જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર અને વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવ્યા ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ નિમણૂક પ્રક્રિયા અંગે અસંમતિ નોંધાવી હતી.

શા માટે મહત્વપૂર્ણ છે આ વિવાદ?

આ સમગ્ર ઘટનાક્રમનું મહત્વ માત્ર SIRની પ્રક્રિયા પૂરતું મર્યાદિત નથી. બંને ચૂંટણી કમિશનરોના વાંધા સીધા મતદારનું નામ ઉમેરવા, દૂર કરવા અને પુનઃસ્થાપિત કરવા, મતદાર ડેટાબેઝ સુધી પહોંચ અને ચૂંટણી સોફ્ટવેરની ભૂમિકા સાથે સંબંધિત છે.

ખાસ કરીને ગોવાનો મામલો એ સવાલ ઊભો કરે છે કે જો કોઈ કાયદેસર અધિકારીએ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ કોઈ મતદારને પાત્ર ગણાવ્યો હોય, પરંતુ કેન્દ્રીય સોફ્ટવેરમાં તે નિર્ણય નોંધવાનો વિકલ્પ જ ઉપલબ્ધ ન હોય, તો અંતિમ નિર્ણય કોનો માનવામાં આવશે.

એ જ રીતે Form-6માં ફેરફારનો મામલો એ સવાલ ઊભો કરે છે કે નવા મતદારોની નોંધણી સાથે જોડાયેલા નિયમો અને ફોર્મમાં ફેરફાર કઈ પ્રક્રિયા હેઠળ કરી શકાય છે.

બીજી તરફ, પશ્ચિમ બંગાળનો મામલો એ બાબત સાથે જોડાયેલો છે કે ન્યાયિક અધિકારીઓ દ્વારા મતદારને યાદીમાં સામેલ કર્યા બાદ તેની સામે અપીલ કરવાનો નિર્ણય કયા સ્તરે અને કોના અધિકારથી લેવામાં આવ્યો.

આ તમામ મામલાઓમાં બંને ચૂંટણી કમિશનરોએ લેખિત રીતે વાંધા નોંધાવ્યા છે. અહેવાલ અનુસાર, આ સ્થિતિ ચૂંટણી પંચની અંદર લાંબા સમયથી ચાલતા અસંમતિના મામલાઓથી અલગ છે, કારણ કે આ વખતે ત્રણ સભ્યોના પંચના બે સભ્યોએ વારંવાર અને ઔપચારિક રીતે પંચની નિર્ણય પ્રક્રિયા તેમજ SIR સાથે જોડાયેલા પગલાં પર સવાલ ઉઠાવ્યા છે.

Share This Article