નવી દિલ્હી, તા. 8 : વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીના શપથગ્રહણના એક દિવસ પહેલાં શનિવારે મળેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ અને સંસદીય પક્ષની બેઠકમાં પક્ષના સાંસદોએ એક પ્રસ્તાવ પસાર કરીને સાંસદ રાહુલ ગાંધીને વિરોધપક્ષના નેતા બનાવવાની માંગ કરી હતી. ત્રણ કલાક ચાલેલી આ બેઠક બાદ સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સેનિયાનાં નામનો પ્રસ્તાવ આપ્યો હતો. ગૌરવ ગોગોઈ અને તારિક અનવરે સમર્થન કર્યું હતું.

દરમ્યાન, રાહુલ ના પાડે તો વિપક્ષના નેતા તરીકે ગૌરવ ગોગોઈ અથવા કુમારી શૈલજાનાં નામો પર વિચાર થઈ શકે છે. આ માગણીના પ્રતિસાદમાં રાયબરેલી તેમજ વાયનાડમાંથી ચૂંટાઈ આવેલા સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મને વિચારવા માટે થોડો સમય આપો. ખાસ ઉલ્લેખનીય છે કે, લોકસભામાં વિપક્ષના નેતાનું પદ 10 વર્ષથી ખાલી છે. દિલ્હીની અશોકા હોટલમાં લગભગ ત્રણ કલાક ચાલેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ અને સંસદીય પક્ષની બેઠક દરમ્યાન દિલ્હી અને હરિયાણામાં કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે જોડાણ તોડવાની પણ માંગ કરાઈ હતી. બેઠકના અધ્યક્ષસ્થાનેથી બોલતાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ભારત જોડો અને ભારત જોડો ન્યાયયાત્રા પસાર થઈ હતી, તે વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષની બેઠકો વધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, રાહુલ હવે વાયનાડના લોકોને વિશ્વાસમાં લઈ એ બેઠક છોડીને ગાંધી પરિવારના ગઢ સમાન રાયબરેલી બેઠક પોતાની પાસે રાખશે. આ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. હકીકતમાં, વિરોધપક્ષના નેતાના પદ માટે કોઈ પણ પક્ષ પાસે લોકસભાની કુલ બેઠકોની 10 ટકા બેઠકો હોવી જોઈએ. કોંગ્રેસને આ હિસાબે 543માંથી 54 બેઠકની જરૂર હતી, જેની સામે પક્ષે આ વખતે 99 બેઠક પર જીત મેળવી છે.
દરમ્યાન, પત્રકાર પરિષદને સંબોધતાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ મળ્યું નથી. `ઈન્ડિયા’ જોડાણના નેતાઓને નિમંત્રણ મળશે તો અમે તેના પર વિચાર કરીશું. બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ કોંગ્રેસશાસિત રાજ્યોના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષો, નવા ચૂંટાયેલા સાંસદો સામેલ થયા હતા. પ્રસ્તાવમાં ચૂંટણી અભિયાનમાં રાહુલ ગાંધીએ ઊઠાવેલી જહેમતની પ્રશંસા કરી છે. પ્રસ્તાવમાં જણાવ્યું છે કે, ભારતજોડો યાત્રા અને ભારતજોડો ન્યાયયાત્રા માટે રાહુલ ગાંધીની પ્રશંસા કરવી જોઈએ. આ યાત્રાઓનું નેતૃત્વ તેમણે ર્ક્યું હતું. આ બંને યાત્રા તેમની વિચારધારા અને વ્યક્તિત્વ દર્શાવે છે. આ યાત્રાઓ આપણા દેશના રાજકારણમાં ઐતિહાસિક વળાંક સાબિત થઈ છે. આ યાત્રાએ કોંગ્રેસના લાખો કાર્યકર અને કરોડો મતદારમાં આશા અને વિશ્વાસ જગાડયા છે, એવું પ્રસ્તાવમાં જણાવાયું છે.

