Supreme Court News: કોઈ નાની ટેકનીકી ભૂલને કારણે આખાય કેસને ફરીથી ચલાવવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી. એક મામલામાં ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપ નક્કી કરવાના આદેશ પર જજના હસ્તાક્ષર ન હોવાની મામૂલી ભૂલને કારણે 17 વર્ષોની સુનાવણી નિરર્થક બની ગઈ હતી. અલ્હાબાદ હાઈકોર્ટે મામલો નિર્ણાયક તબક્કે પહોંચ્યો હોવા છતાં પુનઃવિચારનો આદેશ આપ્યો હતો. આ આખા મામલા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આખી પ્રક્રિયાનો ઉદ્દેશ્ય ન્યાયને પ્રોત્સાહન આપવાનો છે, નહીં કે ટેકનીકી ખામીઓના આધારે તેને અવરોધવાનો.
શું હતો આખો મામલો?
જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને આર મહાદેવનની બેંચે કહ્યું કે ટ્રાયલ કોર્ટની આ ભૂલ એટલી ગંભીર નહોતી કે આખી સુનાવણી રદ થઈ જાય. 2007ના હત્યાના કેસમાં, જેમાં નવ આરોપીઓ હતા, નીચલી અદાલતે 2009માં આરોપો નક્કી કર્યા હતા, પરંતુ એક આરોપીની ગેરહાજરીને કારણે આ આદેશ પર હસ્તાક્ષર થઈ શક્યા નહોતા. જોકે, મામલાની સુનાવણી 15 વર્ષો સુધી સરળતાથી ચાલતી રહી અને આ મુદ્દો 2024માં છેક અંતમાં ઉઠાવવામાં આવ્યો, જેના કારણે અલ્હાબાદ હાઈકોર્ટે પુનઃવિચારનો આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટના ફેંસલા પર સુપ્રીમ કોર્ટની રોક
હાઈકોર્ટના ફેંસલાને પલટાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી મોડેથી ઉઠાવવામાં આવેલી વાંધા અરજીઓ અને તેને માની લેવી એ ફોજદારી કાયદાના ઉદ્દેશ્યને નિષ્ફળ બનાવી દેશે. ઉદ્દેશ્ય ન્યાયને પ્રોત્સાહન આપવાનો છે, નહીં કે ટેકનીકી આધાર પર તેને અવરોધવાનો. સુપ્રીમ કોર્ટે મુકદ્દમાના અંતિમ તબક્કે, તે પણ મુખ્ય સાક્ષીઓના મૃત્યુ પછી, આ મુદ્દાને ઉઠાવવા બદલ આરોપીઓના વર્તન પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
“મામલાના અંતે જજના હસ્તાક્ષર ન હોવા એ કોઈ મોટી કાનૂની ભૂલ નથી, આવી ભૂલ પર આખું ટ્રાયલ અમાન્ય ન થઈ શકે. કાયદાનો મકસદ ન્યાય અપાવવાનો છે, ટેકનીકી ભૂલને કારણે આખા કેસને ફરીથી ચલાવવો યોગ્ય નથી.” — સુપ્રીમ કોર્ટ
આવી સ્થિતિમાં સુનાવણી અમાન્ય નથી થઈ જતી: SC
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આદેશ પર હસ્તાક્ષર ન થવાથી આખી સુનાવણી અમાન્ય નથી થઈ જતી. કારણ કે આરોપો નક્કી થઈ ચૂક્યા હતા, નોંધાઈ ચૂક્યા હતા, વંચાઈ ચૂક્યા હતા અને ન્યાયાલય તથા પક્ષો દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવી ચૂકી હતી. રેકોર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે આરોપીઓને આરોપોની પૂરી જાણકારી હતી અને તેમણે પ્રોસિક્યુશન પક્ષના કેસનો અસરકારક રીતે વિરોધ કર્યો હતો.

