કાશ્મીરમાં આતંકવાદ છેલ્લા શ્વાસ લે છે : મોદી

Reena Brahmbhatt
3 Min Read

જમ્મુ, તા. 14 : કલમ 370 હટયા બાદ પહેલીવાર યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચારાર્થે કાશ્મીર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ડોડામાં ચૂંટણીસભા સંબોધતાં કહ્યું હતું કે, કાશ્મીરમાં આતંકવાદ અંતિમ શ્વાસો ગણી રહ્યો છે. એક તીરથી ત્રણ નિશાન સાધતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરને ત્રણ ખાનદાન પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે બરબાદ કર્યું છે.

વડાપ્રધાને પાંચમી ઓક્ટોબરે જ્યાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે એ હરિયાણામાં પણ પ્રથમ સભા સંબોધી હતી. તેમણે કુરુક્ષેત્ર જિલ્લામાં જણાવ્યું હતું કે, વિપક્ષો તો `રાજવી પરિવાર’ અનુસૂચિત જાતિ માટે અનામત ખતમ કરવા માગે છે, પણ હું અનામતને તૂટવા દઇશ નહીં. આ વખતે ચૂંટણી કાશ્મીરના યુવાનો અને આ ત્રણ ખાનદાન વચ્ચે છે, તેવું ડોડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 45 મિનિટનાં ભાષણમાં મોદીએ કહ્યું હતું. જો 20 બેઠક વધુ આવી હોત, તો મોદી સહિત બધા નેતા જેલમાં હોત, તેવી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી પર પલટવાર કરતાં મોદીએ કહ્યું હતું કે, તમારે નેતાઓને જેલમાં મોકલવા માટે સરકાર બનાવવી છે કે, લોકોનું ભલું કરવા માટે. ભાજપે કાશ્મીરી પંડિતો માટે અવાજ ઊઠાવ્યો અને સાથ આપ્યો. આજે મંચ પર બેઠેલી આપણી દીકરી શગુનના પિતા અને કાકા બન્નેની આતંકવાદીઓએ હત્યા કરી હતી.

- Advertisement -

terrorists32

હવે આતંકવાદ પીડિત દીકરીને ભાજપે ટિકિટ આપી છે. શગુન માત્ર ઉમેદવાર જ નથી, પરંતુ આતંકવાદને ખતમ કરવાના ભાજપના મજબૂત ઈરાદાની જીવતી-જાગતી તસવીર છે, તેવું મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં કાશ્મીરમાં જે બદલાવ આવ્યા છે, તે કોઈ સુંદર સ્વપ્નથી ઓછા નથી. જે પથ્થર કાશ્મીરની પોલીસ અને દળો પર ફેંકવા માટે હાથમાં લેવાતા હતા એ જ પથ્થરોથી આજે નવું જમ્મુ-કાશ્મીર બની રહ્યું છે, આ બધું કોણે કર્યું ? આ મોદીએ નથી કર્યું, આપ સૌ કાશ્મીરની જનતાએ કર્યું છે, તેવું વડાપ્રધાને જણાવ્યું હતું. કાશ્મીરના કોઈ પણ ધર્મ, વર્ગની પ્રત્યેક વ્યક્તિના અધિકારોની રક્ષા કરવાની ગેરંટી મોદી આપે છે, તેવું તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે, આપ સૌ એવા લોકોથી સાવધાન રહેજો, જે પોતાના સ્વાર્થ માટે આપના અધિકાર છીનવી લેવા માગે છે. એવા લોકો કલમ 370 પાછી લાવવા માગે છે, જેનો મતલબ છે કે, ત્રણેય ખાનદાન આપના અનામત, મતદાન જેવા હક્કો છીનવી લેશે. હરિયાણાના કુરુક્ષેત્રમાં યુનિવર્સિટી ખાતે જનસભા સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અર્બન નક્સલનું નવું રૂપ છે. તેમનાં મોઢે ખેડૂતોનાં મોતનું પાપ છે. કોંગ્રેસનો શાહી પરિવાર અનામત ખતમ કરવાનો છે, પરંતુ જ્યાં સુધી મોદી છે કોઈ અનામતને હાથ પણ લગાડી નહીં શકે. હરિયાણાની ભાજપ સરકારને વખાણતાં કહ્યંy કે, કર્ણાટકમાં તેમણે (કોંગ્રેસ) આપણા પૂજ્ય ગણપતિ બાપાની પ્રતિમાની અટકાયત કરી છે. કોંગ્રેસરાજમાં વિકાસ માત્ર એક જિલ્લા પૂરતો સીમિત હતો. હિમાચલમાં કોંગ્રેસની સરકારથી ત્યાંના નાગરિકો ખુશ નથી. કોંગ્રેસે વચનો પૂરા કર્યા નથી. સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવાનાં ફાંફાં છે.

- Advertisement -
Share This Article