જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની સફળતાથી હતાશ થયેલા આતંકીઓએ સલામતી દળોની ઉપર હુમલાની તેમની નવી વ્યૂહરચનાને વધુ લોહિયાળ બનાવવાનું શરૂ કર્યું છે. અનંતનાગ વિસ્તારમાં ટેરિટોરિયલ આર્મીના બે જવાનનું અપહરણ કરીને, તેમાંથી એક જવાનનું મોત નીપજાવીને આતંકીઓએ સલામતી દળોને વધુ એક પડકાર ફેંક્યો છે.
ઉલ્લેખનીય છે કે, અપહરણ કરાયેલા એક જવાને યેનકેન પ્રકારે આતંકીઓની ચુંગાલમાંથી છટકી જવામાં સફળતા મેળવી હતી, પણ જે રીતે તેના અન્ય સાથીની હત્યા થઇ તેનાથી, આતંકીઓ આવનારા દિવસોમાં વધુ હુમલા કરે એવી ભીતિ વ્યક્ત થવા લાગી છે. આમ તો છેલ્લા થોડા સમયથી સલામતી દળોએ આતંકીઓની સામે ભારે કડક ઓપરેશન હાથ ધરવાં શરૂ કર્યાં છે. તાજેતરમાં આવી અલગ અલગ કાર્યવાહીઓમાં સંખ્યાબંધ આતંકીઓ માર્યા ગયાની સફળતા સલામતી દળોને મળી છે. તો આતંકીઓએ નવતર વ્યૂહ અપનાવીને સામાન્ય લોકોને બદલે સલામતી દળોને નિશાન બનાવતા હુમલા વધાર્યા છે, તો સરહદ પારથી આતંકીઓની ઘૂસણખોરી ફરી શરૂ થઇ રહી હોવાની સાબિતી આપતા બનાવો પણ સામે આવ્યા છે.
કુપવાડામાં ગુગલધાર ખાતે નિયંત્રણરેખા પર લશ્કર અને પોલીસનાં સંયુક્ત ઓપરેશનમાં ઘૂસણખોરી કરતા બે આતંકીને ઠાર મરાયા હતા. તેમના કબજામાંથી ભારે મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીઓમાં સ્થાનિક લોકોએ ભારે ઉત્સાહ બતાવીને આતંકીઓનો ડર ફગાવી દીધો હતો.
આને લીધે આતંકવાદને મળતા સહયોગમાં ઓટ આવી રહી હોવાનું જણાઇ રહ્યં છે. આવામાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલતી હતી, તેવા ટાંકણે જ આતંકીઓએ બે જવાનનું અપહરણ કરતાં તેમની હતાશા છતી થઇ છે. હવે જ્યારે રાજ્યમાં લોકશાહી ઢબે ચુંટાયેલી સરકાર રચાઇ રહી છે, ત્યારે આવા આતંકી ઇરાદા સામે વધુ નક્કર અને નિર્ણાયક પગલાંની અપેક્ષા વધી જશે. સરકારે તેના રાજકીય એજન્ડાને પ્રાધાન્ય આપવાને બદલે રાષ્ટ્રીય સલામતી અને હિતોની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત રહેશે. આ માટે સલામતી દળોની સાથે સરકારી તંત્રનાં સંકલનને મજબૂત કરવા પર ખાસ ધ્યાન આપવાની જરૂરત રહેશે. આમ થશે તો આતંકીઓના ઇરાદાને વિફળ બનાવી શકાશે.

