કચ્છમાં ઓગણીસ કરોડની ઠગાઇના કેસના બે મુખ્ય સૂત્રધાર કાયદાના સકંજામાં

Reena Brahmbhatt
1 Min Read

ગાંધીધામ, તા. 8 : લોકોને લાલચ આપી તેમના બેન્ક ખાતાં ખોલાવી તેમાં છેતરપિંડીથી રકમ જમા કરાવી કઢાવી રૂા. 19,19,92,405ના પ્રકરણના બે મુખ્ય આરોપીને પોલીસે પકડી પાડયા હતા. આ બંને શખ્સના આદિપુરના ગુનામાં રિમાન્ડ મેળવાયા બાદ આજે ગાંધીધામના કેસમાં અટક કરવામાં આવી હતી. ગાંધીધામમાં રહેતા ચિરાગ સાધુએ છેતરપિંડી, ઠગાઇના આ બનાવ અંગે અગાઉ ફરિયાદ નોંધાવી હતી, જેમાં અમુક આરોપી પકડાયા હતા, જ્યારે રાજદીપક ધનવાણી તથા થાણે મહારાષ્ટ્રનો નિશાંત ઉર્ફે બાબુ ઉર્ફે ડીજે શિવનારાયણ બંસલ નામનો શખ્સ હાથમાં આવ્યો ન હતો. આ શખ્સોએ 80થી વધારે બેન્ક ખાતાં ખોલાવી તેમાં છેતરપિંડી કરેલ રકમ જમા કરાવી હતી. જે અંગે કુલ 33 ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદો જુદા-જુદા રાજ્યોમાં નોંધાઇ હતી. દેશભરમાં ષડયંત્ર ચલાવનાર રાજ દીપક ધનવાણી નામનો શખ્સ દુબઇ નાસી ગયો હતો. તે દુબઇથી પરત ભારત આવવાની ફિરાકમાં હતો.

દરમ્યાન તેને મુંબઇ એરપોર્ટ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો તેમજ નિશાંત ઉર્ફે બાબુ બંસલને ટેકનિકલ એનાલિસીસના આધારે પકડી પાડવામાં આવ્યો હતો. સરહદી રેન્જની ટીમે ઓગસ્ટ મહિનામાં નરેશ રમેશ સંગતાણી તથા ભરત મુકેશ નેનવાયાને 44 બેન્ક કિટ સાથે પકડી પાડયા હતો. જેમાં પણ આ બાબુ તથા રાજ ધનવાણીનું નામ બહાર આવ્યું હતું. ઝડપાયેલા આ બંને ભેજાંબાજો પાછળ અન્ય કોઇ છે કે નહીં તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

- Advertisement -
Share This Article