હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમાન તિરૂપતિ મંદિરનો લાડુ પ્રસાદ હવે શુદ્ધ, પવિત્ર

Reena Brahmbhatt
2 Min Read

અમરાવતી, તા. 21 : કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમાન તિરૂપતિ બાલાજી મંદિરના લાડુના પ્રસાદમાં જાનવરોની ચરબીના વિવાદથી ભક્ત સમુદાયમાં આક્રોશ વચ્ચે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ્ (ટીટીડી)એ શનિવારે જણાવ્યું હતું કે, પ્રસાદમ્ હવે સંપૂર્ણપણે શુદ્ધ અને પવિત્ર છે. ટીટીડી તમામ શ્રદ્ધાળુઓની સંતુષ્ટી માટે લાડુ પ્રસાદમ્ની પવિત્રતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે, તેવું મંદિર પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું હતું.

બીજી તરફ આંધ્રપ્રદેશમાં વિપક્ષના નેતા વાય.એસ. જગનમોહન રેડ્ડીએ પ્રસાદમાં જાનવરોની ચરબીના મુખ્યમંત્રી નાડુના દાવાને ખોટી અફવા લેખાવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીએ આ વિવાદને `ધ્યાન ભટકાવવાની રાજનીતિ’ ગણાવ્યો હતો. દરમ્યાન, આ વિવાદથી કાશીમાં પણ પ્રસાદ અંગે સતર્કતા વધી ગઇ છે. કાશી વિશ્વનાથમાં બનતા પ્રસાદની ગુણવત્તા ચકાસવા માટે નાયબ કલેક્ટર શંભુશરણ સહિત અધિકારીઓ પહોંચી ગયા હતા.

- Advertisement -

temple tirupati

બીજી તરફ મંદિર પ્રશાસન (તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ)એ હવે 3ર0ને બદલે રૂા. 470 પ્રતિકિલોના ભાવે ફરી એકવાર નંદિની બ્રાન્ડ ઘીનો ઓર્ડર આપ્યો છે. આ પહેલાં સસ્તા ભાવે ઘીની ખરીદી માટે નંદિની બ્રાન્ડ સાથે કરાર રદ કરવામાં આવ્યો હતો. કર્ણાટકમાં નંદિની એક વિશ્વસનીય બ્રાન્ડ છે, જેના ઘીના ટેન્કરમાં ઓટીપીની સુરક્ષા છે. ઉપરાંત જીપીએસની મદદથી ટેન્કરનું લાઇવ ટ્રેકિંગ કરવામાં આવે છે. આ પહેલાં એક અહેવાલને ટાંકી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે, પૂર્વની જગનમોહન રેડ્ડી સરકારમાં બાલાજી મંદિરના પ્રસાદમાં ઘીનાં સ્થાને માછલીનું તેલ અને પશુઓની ચરબી ભેળવવામાં આવતા હતા.

- Advertisement -
Share This Article