UAE lottery winner Anil Kumar Bola 2025: યુનાઇટેડ આરબ અમીરાત-યુએઇ-ની ૧૦૦ મિલિયન દિરહામ એટલે કે અંદાજે ૨૪૦ કરોડ રૂપિયાની લોટરીનો જેકપોટ આંધ્રના વતની ૨૯ વર્ષના અનિલ કુમાર બોલાને લાગતાં તેઓ દેશના નવા કરોડપતિ બની ગયા છે. અબુધાબીના અત્યાર સુધીના સૌથી મોટા જેકપોટના ૧૮ ઓક્ટોબરે યોજાયેલાં ૨૩મા લકી ડ્રોમાં અનિલ કુમાર બોલાને સત્તાવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.બોલાએ જણાવ્યું હતું કે મારી લોટરીની ટિકિટનો નંબર ૮૮૩૫૩૭૨ હતો. મારી માતાનો જન્મ નવેમ્બર મહિનામાં થયો હતો. હું મારી માતાને લકી માનતો હોઇ હું તેના જન્મના મહિનાનેધ્યાનમાં રાખીને લોટરીની ટિકિટ ખરીદતો હતો.
૨૯ વર્ષના અનિલ કુમાર બોલા તેમના માતાપિતા સાથે આંધ્રમાં રહે છે. તે દોઢ વર્ષ અગાઉ ભારતમાંથી અબુધાબી નાણાં કમાવા માટે ગયા હતા. લોટરીની ટીમે જ્યારે હું લોટરી જીત્યો હોવાના સમાચાર આપવા માટે મને ફોન કર્યો ત્યારે હું સોફામાં બેઠો હતો. જ્યારે મને લોટરી લાગી હોવાનું જણાવવામાં આવ્યું ત્યારે મને લાગ્યું કે કોઇ મારી મજાક ઉડાવી રહ્યું છે. હું કરોડપતિ બની ગયો હોવાની વાસ્તવિકતા પર વિશ્વાસ બેસતો નથી. યુએઇ લોટરીના ઇતિહાસમાં બોલા એ આટલી મોટી રકમ જીતનારા પ્રથમ વ્યક્તિ બની ગયા છે. અનિલ કુમારનું સપનું એક સુપરકાર ખરીદવાનું છે. તેઓ આ લકી ક્ષણની ઉજવણી કોઇ શાનદાર રિસોર્ટ કે સેવન સ્ટાર હોટલમાં કરવા માંગે છે. તેઓ આખા પરિવારને યુએઇ લઇ જવા માંગે છે. યુએઇમાં લોટરીની જીતેલી રકમ પર કોઇ ટેક્સ લાગતો નથી પણ ભારતમાં લોટરીની જીતેલી રકમ પર ૩૦ ટકા ટેક્સ લાગે છે તે પછી બાકીની રકમ પર ૧૫ ટકા સેસ અને કુલ રકમ પર ચાર ટકા આરોગ્ય અને શિક્ષા ઉપકર લાગે છે. આમ, જો ભારતમાં ૨૪૦ કરોડ રૂપિયાની લોટરી લાગે તો ૮૬ કરોડ રૂપિયા ટેક્સના બાદ થઇ ૧૫૪ કરોડ રૂપિયા લોટરી વિજેતાને ઘરભેગાં કરવા મળે.

