NPS Vatsalya Scheme: આજના યુગમાં દરેક માતા-પિતાની એક જ ચિંતા હોય છે કે તેઓ પોતાના બાળકોનું ફ્યુચર સિક્યોર કરી શકે. આ માટે સેવિંગ સૌથી શ્રેષ્ઠ ઓપ્શન લાગે છે. પરંતુ સેવિંગ્સના પણ એટલા પ્રકાર છે કે કન્ફ્યુઝન થઈ જ જાય છે. તમે પણ જો આવા જ કોઈ કન્ફ્યુઝનનો સામનો કરી રહ્યા હોવ તો એક યોજના તેનું સમાધાન બની શકે છે. આ યોજનાનું નામ છે NPS વાત્સલ્ય યોજના, જે તમારા બાળકનું ફ્યુચર સિક્યોર કરવા માટે એક સમજદારીભર્યો વિકલ્પ હોઈ શકે છે. આ યોજના ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવી છે, જેથી માતા-પિતા બાળકની નાની ઉંમરથી જ નાની-નાની બચત શરૂ કરી શકે. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ લોન્ચ થયેલી આ સ્કીમ લાંબા ગાળે મોટું ફંડ બનાવવામાં મદદ કરે છે. આમાં ઇન્વેસ્ટ કરવું સરળ છે અને સમય જતાં આ રકમ બાળકના સપના પૂરા કરવાનો આધાર પણ બને છે.
કોણ કરી શકે છે ઇન્વેસ્ટ?
આ યોજના ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તમામ ભારતીય નાગરિક બાળકો માટે ઉપલબ્ધ છે. આમાં દેશમાં રહેતા બાળકો જ નહીં, પરંતુ NRI બાળકો પણ સામેલ છે. આ એકાઉન્ટનો લાભાર્થી માત્ર સગીર બાળક હોય છે. ખાતું બાળકના નામે ખોલવામાં આવે છે પરંતુ તેને પેરેન્ટ્સ અથવા કાયદેસરના વાલી ઓપરેટ કરે છે.
કોન્ટ્રીબ્યુશનનો નિયમ
આ યોજનામાં ઇન્વેસ્ટ શરૂ કરવું અત્યંત સરળ છે. મિનિમમ શરૂઆતી ઇન્વેસ્ટમેન્ટ અને વાર્ષિક કોન્ટ્રીબ્યુશન માત્ર ૨૫૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. માતા-પિતા સિવાય સંબંધીઓ અથવા મિત્રો પણ ગિફ્ટ તરીકે આ એકાઉન્ટમાં પૈસા જમા કરી શકે છે. આનાથી બાળક માટે લાંબા ગાળે સારું ફંડ તૈયાર થઈ શકે છે.
પાર્શિયલ વિડ્રોઅલનો નિયમ
એકાઉન્ટ ખોલ્યાના ત્રણ વર્ષ પૂરા થયા પછી પાર્શિયલ વિડ્રોઅલની સુવિધા મળે છે. જમા કરવામાં આવેલી રકમનો મહત્તમ ૨૫ ટકા હિસ્સો ઉપાડી શકાય છે. આ વિડ્રોઅલ માત્ર ખાસ જરૂરિયાતો જેમ કે એજ્યુકેશન, મેડિકલ ટ્રીટમેન્ટ અથવા સૂચિત વિકલાંગતા માટે જ માન્ય છે. ૧૮ વર્ષની ઉંમર પહેલા બે વાર અને ૧૮ થી ૨૧ વર્ષની ઉંમર વચ્ચે બે વાર વિડ્રોઅલ કરી શકાય છે.
મેચ્યોરિટી પછી શું થશે
જ્યારે બાળક ૧૮ વર્ષનું થાય છે, ત્યારે નવું KYC કરાવવું જરૂરી હોય છે. ૨૧ વર્ષની ઉંમર સુધી ઇન્વેસ્ટર પાસે ઘણા વિકલ્પો હોય છે. તે NPS વાત્સલ્ય યોજનાને ચાલુ રાખી શકે છે. તેને NPS ટાયર-૧ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે અથવા સ્કીમમાંથી બહાર નીકળી શકે છે.

