ટી-20 વર્લ્ડકપ-2024નો સુપર-8 રાઉન્ડનો તખતો લગભગ ઘડાઇ ગયો છે. સુપર-8ના જંગ માટે સાત ટીમ નક્કી થઇ

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 16 : અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર રમાઈ રહેલા ટી-20 વર્લ્ડકપ-2024નો સુપર-8 રાઉન્ડનો તખતો 40માંથી 35 મેચ રમાયા પછી લગભગ ઘડાઇ ગયો છે. આજે સવારે ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને હાર આપી તે સાથે જ ઇંગ્લેન્ડને સુપર-8માં સ્થાન મળ્યું હતું. સારી રનરેટથી ઇંગ્લેન્ડ બીજા સ્થાને જ્યારે સ્કોટલેન્ડ ત્રીજા સ્થાને રહ્યું હતું. આ સાથે જ સુપર-8 રાઉન્ડની 7 ટીમ ફિક્સ થઈ ચૂકી છે. હવે ફક્ત એક સ્થાન ખાલી છે. જે માટે બાંગલાદેશની ટીમ પ્રબળ દાવેદાર છે. અત્યાર સુધીમાં ભારત, અમેરિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દ. આફ્રિકા અને અફઘાનિસ્તાન ટીમ સુપર-8 રાઉન્ડમાં પ્રવેશી ચૂકી છે. બાંગલાદેશની સાથોસાથ નેધરલેન્ડસ પણ હરીફાઇમાં છે. જો કે, તક વધુ બાંગલાદેશની છે. આ માટે તેણે પોતાની આખરી ગ્રુપ મેચમાં નેપાળને બસ હાર આપવાની છે. આથી ગ્રુપ ડીમાં દ. આફ્રિકા પછી બીજા નંબર પર રહી બાંગલાદેશની ટીમની સુપર-8માં પહોંચી જશે.

2024 ICC Mens T20 World Cup logo.svg

- Advertisement -

જો બાંગલાદેશની હાર થાય અને નેધરલેન્ડસની તેની આખરી ગ્રુપ મેચમાં શ્રીલંકા સામે વિશાળ જીત થાય તો સુપર-8ની તસવીર બદલી જશે. આ સંજોગોમાં ડચ ટીમની એન્ટ્રી થશે. જો કે તેની સંભાવના ઓછી છે. ટી-20 વર્લ્ડકપમાં આ વખતે બેટધરો કઠિન પીચનો સામનો કરી રહ્યા છે. આથી ગ્રુપ સ્ટેજની મેચમાં સારા એવા ઊલટફેર થયા છે. આઇસીસી ટી-20 ક્રમાંકની ટોચની 8 ટીમમાંથી પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સુપર-8 રાઉન્ડમાંથી બહાર થઈ ચૂકી છે. બીજી તરફ અમેરિકાએ આગેકૂચ કરી સૌને ચોંકાવી દીધા છે. સુપર-8 રાઉન્ડની પહેલી મેચ 19મીએ અમેરિકા-આફ્રિકા વચ્ચે રમાશે. સુપર-8 રાઉન્ડમાં ભારત તેની પહેલી મેચ તા. 20મીએ ગુરુવારે અફઘાનિસ્તાન સામે રમશે, જ્યારે 22મીએ બાંગલાદેશ અથવા નેધરલેન્ડ્સ ટીમ સામે હશે જ્યારે અંતિમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 24મીએ હશે. ભારતની તમામ મેચ રાત્રે 8-00 વાગ્યાથી શરૂ થશે.

પહેલી સેમિફાઇનલ 27મીએ સવારે 6-00 વાગ્યાથી શરૂ થશે. બીજી સેમિ એ જ દિવસે રાત્રે 8-00 વાગ્યાથી થશે. ભારતીય ટીમ જો સેમિમાં પહોંચશે તો બીજી સેમિફાઇનલ મેચ ગુયાનામાં રમશે. ફાઇનલ મેચ 29મીએ બ્રિજટાઉનમાં રાત્રે 8-00 વાગ્યાથી રમાશે.

- Advertisement -
Share This Article