ઓસ્ટ્રેલિયાની ઈંગ્લેન્ડ સામે જીત,
ઓસ્ટ્રેલિયાની ઈંગ્લેન્ડ સામે જીત,
ઓસિની વધુ એક જીત, ઈંગ્લેન્ડ સેમિની દોડમાંથી બહાર
અમદાવાદ, તા. 4 : વિશ્વકપમાં સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહેલા ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા સામે પણ હારનો સામનો કરવો પડયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ઈંગ્લેન્ડને જીત માટે 287 રનનો પડકાર આપ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડની ટીમ 49.3 ઓવરમાં 253 રનમાં ઓલઆઉટ થઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાન, બેન સ્ટોક્સ અને મોઈન અલીએ ટક્કર આપી હતી. જો કે કોઈપણ ખેલાડી વચ્ચે મહત્વની ભાગીદારી ન બની શકતા મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ સત્તાવાર રીતે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ચુકી છે. આ ઈંગ્લેન્ડની સતત છઠ્ઠી હાર બની છે. સળંગ પાંચમી જીત સાથે કાંગારુઓ હવે 10 પોઈન્ટ ધરાવે છે. જીત માટે 287 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને પહેલો ઝટકો પહેલા જ બોલે લાગ્યો હતો. જેમાં બેયરસ્ટો શુન્યમાં આઉટ થયો હતો. બાદમાં પાંચમી ઓવરમાં રૂટ પણ 13 રને આઉટ થયો હતો. બાદમાં મલાન અને બેન સ્ટોક્સ વચ્ચે ભાગીદારી થઈ હતી. જો કે મલાન 23મી ઓવરે 54 રને પેવેલિયન ભેગો થયો હતો. બેન સ્ટોક્સે 90 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 64 રન કર્યા હતા. જ્યારે મોઈન અલીએ 43 બોલમાં 42 રન કર્યા હતા. અંતિમ ઓવરોમાં ક્રીસ વોક્સે અન્ય બોલરો સાથે મળીને ઈંગ્લેન્ડને જીત અપાવવા સંઘર્ષ કર્યો હતો. જો કે ઈંગ્લેન્ડની ટીમ 253 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ક્રિસ વોક્સ 33 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 32 રન કરીને આઉટ થયો હતો. જ્યારે આદિલ રાશિદે 15 બોલમાં 20 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઝામ્પાએ સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે મિશેલ સ્ટાર્ક, હેઝલવુડ અને કમિંસને બે બે વિકેટ મળી હતી. આ અગાઉ ઓસ્ટ્રેલિયા પહેલા બેટિંગ કરતા 49.3 ઓવરમાં 286 રન કરીને ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયાને પહેલા બે ઝટકા સસ્તામાં લાગ્યા હતા. જેમાં હેડ 11 રને અને વોર્નર 15 રને પેવેલિયન પરત ફર્યા હતા. જો કે બાદમાં સ્ટીવન સ્મીથ અને લાબુશેન વચ્ચે મહત્વની ભાગીદારી થઈ હતી. જેમાં સ્મીથ 52 બોલમાં 44 રન કરીને આઉટ થયો હતો. જ્યારે લાબુશેને 83 બોલમાં 71 રનનું યોગદાન આપ્યું હતું. સ્મીથની વિકેટ બાદ મેદાનમાં આવેલો જોશ ઈંગ્લીશ માત્ર ત્રણ જ કરી શક્યો હતો. બાદમાં ગ્રીને 52 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 47 અને સ્ટોયનસે 32 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 35 રન કર્યા હતા. અંતિમ ઓવરોમાં ઝમ્પાએ પણ 19 બોલમાં 29 રન કર્યા હતા. જેની મદદથી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 286 સુધી પહોંચી શક્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ક્રીસ વોક્સે 4 વિકેટ લીધી હતી. જ્યારે માર્ક વુડ અને આદિલ રાશિદને બે બે વિકેટ મળી હતી. આ ઉપરાંત વિલી અને લિવિંગસ્ટોને એક એક શિકાર કર્યો હતો.
