Bevon Jacobs Double Century: 137 બોલમાં અણનમ 202 રન, બેવન જેકોબ્સે ફોર્ડ ટ્રોફીમાં 21 છગ્ગા ફટકારી ઇતિહાસ રચ્યો

Arati Parmar
4 Min Read
Bevon Jacobs Double Century

Bevon Jacobs Double Century: ન્યૂઝીલેન્ડના યુવા બેટ્સમેન બેવન જેકોબ્સે ફોર્ડ ટ્રોફી 2026-27માં શાનદાર બેવડી સદી ફટકારી છે. ઑકલેન્ડ તરફથી રમતાં તેણે ઓટાગો સામે માત્ર 137 બોલમાં અણનમ 202 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 21 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. જેકોબ્સે પોતાની ઇનિંગના 154 રન માત્ર બાઉન્ડરીથી બનાવ્યા હતા. 24 વર્ષના આ બેટ્સમેને પોતાની ઇનિંગ દરમિયાન એવો રેકોર્ડ બનાવ્યો, જે ન્યૂઝીલેન્ડના કોઈ પણ બેટ્સમેને લિસ્ટ-એ ક્રિકેટમાં અગાઉ બનાવ્યો નહોતો. તે એક ઇનિંગમાં 21 છગ્ગા ફટકારનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

લિસ્ટ-એ ક્રિકેટમાં તેના કરતાં વધુ છગ્ગા માત્ર ઑસ્ટ્રેલિયાના ડાર્સી શૉર્ટે ફટકાર્યા છે. શૉર્ટના નામે એક ઇનિંગમાં 23 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. જેકોબ્સે શરૂઆતમાં સંભાળીને બેટિંગ કરી હતી. શરૂઆતના 9 બોલમાં તેનું ખાતું પણ ખૂલ્યું નહોતું. ત્યારબાદ તેણે ધીમે ધીમે રન બનાવવાની ગતિ વધારી હતી. તેણે પોતાનો પહેલો છગ્ગો 29મા બોલે ફટકાર્યો હતો. 57 બોલમાં છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ 97 બોલમાં સદી અને 122 બોલમાં 150 રન પૂરા કર્યા હતા.

- Advertisement -

છેલ્લી બોલે છગ્ગો ફટકારીને બેવડી સદી પૂરી કરી

છેલ્લી ઓવરમાં જેકોબ્સે બોલર ઝૅક કમિંગ સામે સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ એક બોલ ખાલી ગયો અને પછી સતત બે છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે તેણે ઇનિંગના છેલ્લા બોલે છગ્ગો ફટકારીને પોતાની બેવડી સદી પૂરી કરી હતી. જેકોબ્સની આ ઇનિંગના આધારે ઑકલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 334 રન બનાવ્યા હતા. તેનો 202 રનનો સ્કોર ઑકલેન્ડ એસેસ માટે લિસ્ટ-એ ક્રિકેટનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ બન્યો હતો. આ પહેલાં આ રેકોર્ડ કૉલિન મનરોના નામે હતો, જેમણે 2017-18માં અણનમ 174 રનની ઇનિંગ રમી હતી. જેકોબ્સ ન્યૂઝીલેન્ડની સ્થાનિક વનડે ટૂર્નામેન્ટ ફોર્ડ ટ્રોફીના ઇતિહાસમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન પણ બન્યો હતો. તેના પહેલાં જેમી હો અને ચૅડ બોઝ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

- Advertisement -

દક્ષિણ આફ્રિકામાં જન્મ થયો હતો

જેકોબ્સનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. જ્યારે તે લગભગ ત્રણ વર્ષનો હતો, ત્યારે તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ આવીને વસ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડમાં જ ક્રિકેટ શીખ્યું અને સ્થાનિક ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી હતી. 2023-24ની સુપર સ્મૅશ ટૂર્નામેન્ટમાં તે પ્રથમ વખત મોટા સ્તરે ચર્ચામાં આવ્યો હતો. કૅન્ટરબરી કિંગ્સ માટે રમતાં તેણે છ ઇનિંગમાં 134 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 188.73 રહ્યો હતો. આ પ્રદર્શને તેને આક્રમક ફિનિશર તરીકે ઓળખ અપાવી હતી.

- Advertisement -

મુંબઈ ઇન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો

બેવન જેકોબ્સ IPLમાં પણ પોતાનું નસીબ અજમાવી ચૂક્યો છે. 2025ની મેગા હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સે તેને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર ખરીદ્યો હતો. જોકે, તેને તે સીઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નહોતી અને ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધો હતો. આ પછી તેણે ન્યૂઝીલેન્ડ માટે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ સ્થાન મેળવ્યું હતું. તે ભારત સામે તાજેતરમાં રમાયેલી પાંચ મેચની T20 શ્રેણીમાં ન્યૂઝીલેન્ડની ટીમનો હિસ્સો હતો. આ શ્રેણીમાં તેણે એક અડધી સદી પણ ફટકારી હતી. જોકે, તેને હજુ સુધી વનડે ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી

Share This Article