Cricket In Olympics 2028: ક્રિકેટના જનક તો અંગ્રેજોને જ મનાય છે. તેના પછી અંગ્રેજોએ વેસ્ટ ઈન્ડિઝ અને ભારતીય ઉપખંડમાં વસાહતીકરણ કર્યું અને ત્યારબાદ જ અહીં ક્રિકેટ લોકપ્રિય રમત બની. આજે ભારતમાં ક્રિકેટ જાણે એક ધર્મ મનાય છે, જ્યાં ચાહકો ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે. 2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટનો પણ સમાવેશ થવાની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. હવે એક નવી અપડેટ સામે આવી છે કે ઓલિમ્પિક 2028માં પુરુષો અને મહિલાઓ બંને કેટેગરીમાં 6-6 ટીમ ભાગ લેશે, જેમાં ગોલ્ડ મેડલ જીતવા માટે સ્પર્ધા થશે.
ICCના 12 ફુલ મેમ્બર
ઓલિમ્પિક 2028 અમેરિકાના લોસ એન્જલસમાં યોજાવાનું છે. આ ઓલિમ્પિકમાં પુરુષ અને મહિલા એમ કુલ 6 ટીમો ભાગ લેશે. દરેક ટીમ 15 સભ્યોની ટીમ પસંદ કરી શકે છે કારણ કે પુરુષ અને મહિલા બંને માટે 90 ખેલાડીઓનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સહિત 12 ફુલ મેમ્બરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 94 દેશો એસોસિયેટ સભ્યો છે. 2028 ઓલિમ્પિક માટે ક્રિકેટ માટે ક્વોલિફિકેશનની પદ્ધતિ હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
બીજી તરફ, જો અમેરિકાને યજમાન દેશ તરીકે સીધો પ્રવેશ મળે તો દરેક શ્રેણીમાં બાકીની પાંચ ટીમો ક્વોલિફિકેશન દ્વારા પોતાનું સ્થાન બનાવશે. વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કોણ કરશે તે પણ પ્રશ્ન છે, કારણ કે કેરેબિયન ટાપુઓ ઓલિમ્પિક રમતોમાં અલગ દેશો તરીકે ભાગ લે છે, જેમ તેઓ કોમનવેલ્થ રમતોમાં ભાગ લે છે.
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી થશે
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટનું પુનરાગમન થઈ રહ્યું છે. અગાઉ 1900માં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સમયે ફક્ત ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટને જ ક્રિકેટમાં ભાગ લીધો હતો. આ બંને ટીમો વચ્ચે બે દિવસીય મેચ રમાઈ હતી, જેને બિનસત્તાવાર ટેસ્ટ મેચનો દરજ્જો મળ્યો હતો. પરંતુ આ વખતે ઓલિમ્પિકમાં ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે.