આઈ. પી. એલ. ઓકશનમાં ઓસ્ટ્રેલિયનો છવાઈ ગયા : સ્ટાર્ક સૌથી મોંઘેરો ખેલાડી
Wednesday, 20 December 2023
આઈ. પી. એલ. ઓકશનમાં ઓસ્ટ્રેલિયનો છવાઈ ગયા : સ્ટાર્ક સૌથી મોંઘેરો ખેલાડી
દુબઇ, તા. 19 : આઇપીએલની હરાજીમાં ઓસ્ટ્રેલિયનો અને નવલોહિયા ક્રિકેટરો પર ધનવર્ષા થઇ હતી. ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને બે કરોડની બેઝ પ્રાઇસ સામે 24.7પ કરોડ રૂપિયા ચૂકવીને કોલકતા નાઇટ રાઇટડર્સ ટીમે ખરીદીને નવો વિક્રમ બનાવ્યો હતો. આ પહેલાં ઓસ્ટ્રેલિયાનો વિશ્વ વિજેતા કપ્તાન પેટ કમિન્સ 20.પ0 કરોડમાં વેચાયો હતો. તેના પર આ મોટી બોલી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે લાગવી હતી. તે આઇપીએલ ઇતિહાસમાં 20 કરોડથી વધુ રકમ હાંસલ કરનારો પહેલો ખેલાડી બન્યો હતો. જો કે, થોડી મિનિટોમાં જ તેનો આ રેકોર્ડ સાથી બોલર સ્ટાર્કે તોડયો હતો. આઇપીએલની મિનિ હરાજીમાં કેટલાક અનકેપ્ડ ખેલાડી જેવા કે, સમીર રિઝવી, શુભમ દૂબે, શાહરૂ ખાન, યશ દયાલ, સુશાંત મિશ્ર અને રોબિન મિંઝને લોટરી લાગી છે.
જ્યારે હર્ષલ પટેલ 11.7પ કરોડ સાથે આ વખતની હરાજીમાં ભારતનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. આઇપીએલ હરાજીમાં સ્ટીવન સ્મિથ, મનીષ પાંડે, રાસી વાન ડૂસેન, કરણ નાયર જેવા બીજા અનેક ખેલાડી અનસોલ્ડ રહ્યા હતા. હરાજીમાં સામેલ 333 ખેલાડીમાંથી 72નો જ ભાવ પુછાયો હતો. 10 ટીમે આ ખેલાડીઓ માટે રૂા. 230 કરોડનો ખર્ચ કર્યો હતો. 72 પૈકી 30 ક્રિકેટર વિદેશી છે. ગુજરાતે આઠ, ચેન્નાઇએ છ, દિલ્હીએ નવ, મુંબઇએ આઠ ખેલાડી ખરીદ્યા હતા. આ વખતની હરાજીમાં આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર એક ખેલાડીની રકમનો આંકડો 20 કરોડને પાર થયો હતો. ઓસ્ટ્રેલિયાના બે ઝડપી બોલર માલામાલ થયા હતા. મિશેલ સ્ટાર્ક 24.7પ કરોડની અધધધ રકમ સાથે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેના પર આટલી મોટી રકમનો દાવ કોલકતા નાઇટ રાઇડર્સ ફ્રેંચાઇઝીએ લગાવ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાના વિશ્વ વિજેતા કપ્તાન પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે 20.પ0 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ બન્ને કાંગારુ ખેલાડીની બેઝ પ્રાઇસ બે-બે કરોડ રૂપિયા હતી. આ પહેલાં સેમ કરન સૌથી વધુ 18.પ0 કરોડમાં 2023ની હરાજીમાં વેચાયો હતો.
સ્ટાર્કને ખરીદવા માટે ગુજરાત ટાઇટન્સે પણ છેલ્લે સુધી બોલી લગાવી હતી, પણ અંતમાં કેકેઆરે બાજી મારી હતી, જ્યારે કમિન્સને ખરીદવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે હોડ રહી હતી. અંતમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેંચાઇઝીની ઓનર કાવ્યા મારને 20.પ0 કરોડનું સાઇન બોર્ડ બતાવીને ખરીદ કર્યો હતો. કમિન્સ આઇપીએલની આગામી સિઝનમાં હૈદરાબાદનો લગભગ કપ્તાન બનશે. અનકેપ્ડ ખેલાડીઓમાં સમીર રિઝવીને લોટરી લાગી હતી. તે ઓકશનમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે. આ ફટકાબાજ પર ચેન્નાઇએ 20 લાખની બેઝ પ્રાઇસ સામે 8.40 કરોડ ચૂકવ્યા હતા. આ ઉપરાંત બીજા એક અનકેપ્ડ પ્લેયર શુભમ દૂબેને પણ જેકપોટ લાગ્યો હતો. તેને 20 લાખની બેઝ પ્રાઇસ સામે રાજસ્થાને પ.80 કરોડની બોલી લગાવી ખરીદ્યો હતો, જ્યારે 2022ના ઓક્શનમાં 9 કરોડમાં વેચાનાર અનકેપ્ડ બેટર શાહરૂખ ખાન ફરી કરોડપતિ બન્યો છે. તે આ વખતે 7.40 કરોડમાં વેચાયો છે. તે હવે ગુજરાત તરફથી રમશે. અન્ય એક અનકેપ્ડ બોલર યશ દયાલ 20 લાખની બેઝ પ્રાઇસ સામે પ કરોડમાં વેચાયો હતો. તેને આરસીબીએ ખરીદ્યો હતો, જ્યારે સુશાંત મિશ્રાના નામના નવોદિત ખેલાડીને ગુજરાતની ટીમે 2.20 કરોડ ચૂકવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં બોલથી ધમાલ મચાવનાર ફાસ્ટર સ્પેંસર જોનસન ધારણાથી ઘણો વધુ 10 કરોડમાં વેચાયો હતો. તેની બેઝ પ્રાઇસ પ0 લાખ હતી. તેને ખરીદવા માટે ગુજરાત અને દિલ્હી ટીમ વચ્ચે હરાજીમાં હોડ જામી હતી. અંતમાં ગુજરાતે 10 કરોડની બોલી લગાવી આ નવોદિત કાંગારુ ઝડપી બોલર સ્પેંસર જોનસનને ખરીદ કર્યો હતો.
આઇપીએલના ઓક્શનમાં વર્લ્ડકપ ફાઇનલનો સદીવીર ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ 6.80 કરોડમાં વેચાયો હતો. તે સનરાઇઝર્સ હૈદરબાદ ટીમનો હિસ્સો બન્યો હતો, જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટી-20 ટીમનો કેપ્ટન રોવમેન પોવેલને રાજસ્થાન રોયલ્સે 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ હતી. ન્યૂઝીલેન્ડના મીડલઓર્ડર બેટર ડેરિલ મિચેલ આઇપીએલની હરાજીમાં લાવલાવ થયો હતો. તેને ખરીદવા માટે ચેન્નાઇ અને પંજાબ વચ્ચે જોરદાર બિડિંગ વોર જોવા મળી હતી. બે કરોડની બેઝ પ્રાઇસ સામે તેને 14 કરોડ રૂપિયામાં ધોનીની ટીમ સીએસકેએ ખરીદ કર્યો હતો. આ સાથે જ ડેરિલ મિચેલ આઇપીએલમાં ન્યૂઝીલેન્ડનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. બીજી તરફ જેના પર 10 કરોડ આસપાસની બોલી લાગશે તેવી ધારણા હતી તે ન્યૂઝીલેન્ડનો ભારતીય મૂળનો ઓલરાઉન્ડર રચિન રવીન્દ્ર 1.80 કરોડમાં જ વેચાયો હતો. વેસ્ટ ઇન્ડિઝનો ઝડપી બોલર અલ્જારી જોસેફ પણ માલામાલ થયો છે. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ સામે 11.પ0 કરોડ મળ્યા છે. તેને ખરીદવા ગુજરાત અને બેંગ્લોર ટીમ વચ્ચે સારી હરીફાઇ જોવા મળી હતી. અંતમાં બેંગ્લોરે અલ્જારી જોસેફ પર 11.પ0 કરોડનો દાવ ખેલીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે આઇપીએલ ઇતિહાસમાં નિકોલસ પૂરન (16 કરોડ) પછી બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
આરસીબીએ રીલિઝ કરેલા ભારતીય મધ્યમ ઝડપી બોલર હર્ષલ પટેલને ધારણાથી વધુ 11.7પ કરોડની રકમ મળી હતી. તે પંજાબની ટીમનો હિસ્સો બન્યો છે. આઇપીએલના આ વખતના ઓક્શનમાં તે સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો છે. બીજી તરફ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ધારણાથી ઓછા 4 કરોડ રૂપિયા મળ્યા હતા. તેને સીએસકે ટીમે ખરીદ્યો હતો. વર્લ્ડકપમાં શ્રીલંકા તરફથી સૌથી વધુ વિકેટ લેનાર દિલશાન મદુશંકાને મુંબઇ ઇન્ડિયન્સે 4.60 કરોડ ચૂકવી ખરીદ્યો હતો, જ્યારે ભારતીય ઝડપી બોલર ઉમેશ યાદવ પ.80 કરોડમાં ગુજરાતની ટીમનો હિસ્સો બન્યો હતો. ભારતનો યુવા ઝડપી બોલર શિવમ માવી 6.40 કરોડમાં વેચાયો હતો. તે લખનઉ ટીમનો હિસ્સો બન્યો છે. અફઘાનિસ્તાનનો અઝમતુલ્લાહ ઓમરઝાઇ પ0 લાખમાં ગુજરાત ટાઇટન્સનો હિસ્સો બન્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે તેની ટીમમાં બે ઝડપી બોલર તરીકે આફ્રિકાના જેરાલ્ડ કોઇત્ઝી અને ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સનો સમાવેશ કર્યો હતો. કોઇત્ઝીને પ કરોડમાં અને વોક્સને 4.20 કરોડમાં ખરીદ્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડના યુવા બેટર હેરી બ્રુક પર 4 કરોડની બોલી લગાવીને દિલ્હી કેપિટલ્સે ખરીદ કર્યો હતો.
