IND U19 vs SL U19: ભારત અંડર-19 ટીમે શ્રીલંકાને 211 રનથી હરાવ્યું, ટેસ્ટ સિરીઝ પર કર્યો કબજો

Arati Parmar
2 Min Read

IND U19 vs SL U19: ભારતની અંડર-19 ટીમે શ્રીલંકાને બીજી અનાધિકૃત ટેસ્ટ મેચમાં હરાવી દીધું છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ભારતની અંડર-19 ટીમને 211 રનથી જીત મળી. મેચની ચોથી ઇનિંગમાં શ્રીલંકા અંડર-19 ટીમને જીત માટે 472 રનનું લક્ષ્ય મળ્યું હતું. ટીમની ઇનિંગ માત્ર 260 રન પર જ સમેટાઈ ગઈ. આ પહેલાં ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં 411 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ પર 208 રન બનાવ્યા હતા. આ સાથે જ બે મેચની સિરીઝ ભારતે 1-0થી જીતી લીધી.

શ્રીલંકાના બંને ઓપનર નિષ્ફળ રહ્યા

- Advertisement -

શ્રીલંકાની બીજી ઇનિંગમાં શરૂઆત ખરાબ રહી હતી. ઓપનિંગ બેટ્સમેન દિમંત મહાવિથાનાનું ખાતું પણ ખૂલ્યું નહીં, જ્યારે અવીશ સમશ માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો. ત્રીજા નંબર પર આવેલા વિરન ચમુદિતાએ 31 રન બનાવ્યા. 38 રન પર ત્રણ વિકેટ પડી ગયા બાદ સેનુજા વેકુનાગોડા અને વિમથ દિનસારાની જોડીએ ક્રીઝ પર ટકી રહી હતી. બંનેએ 98 રનની ભાગીદારી બનાવી. 52 બોલમાં વેકુનાગોડાએ 64 રનની ઇનિંગ રમી. 159 બોલમાં પાંચમી વિકેટ માટે માત્ર 40 રનની ભાગીદારી થઈ. કેપ્ટન દિનસારાએ 129 બોલમાં 64 રન બનાવ્યા.

કવિજા ગામાગેએ 36 રન બનાવવા માટે 52 બોલનો સામનો કર્યો. સેથમિકા સેનેવિરત્ને 9મા નંબર પર આવીને 42 રન બનાવ્યા, પરંતુ તેનો ખાસ કોઈ પ્રભાવ પડ્યો નહીં. ભારતે શ્રીલંકાની ઇનિંગને 260 રન પર સમેટી દીધી. લેગ સ્પિનર રોહિત યાદવે સૌથી વધારે 4 વિકેટ લીધી, જ્યારે ચિગુરુપતિ વેંકટાને ત્રણ વિકેટ મળી.

- Advertisement -

ભારત તરફથી ત્રણ સદી

ભારતીય અંડર-19 ટીમ તરફથી બંને ઇનિંગને મળીને ત્રણ સદી નોંધાઈ. પ્રથમ ઇનિંગમાં મનલ ચૌહાણે 150 જ્યારે કુશાગ્ર ઓઝાએ 111 રનની ઇનિંગ રમી. ઓપનિંગ બેટ્સમેન લક્ષ્ય રાજેશ રાયચંદાનીએ બીજી ઇનિંગમાં 100 રન બનાવ્યા. આ પહેલાં બંને ટીમો વચ્ચે રમાયેલી 3 મેચની અનાધિકૃત વનડે સિરીઝ શ્રીલંકાએ 2-1થી જીતી હતી.

- Advertisement -
Share This Article