બાંગલાદેશ વિરુદ્ધ ભારતે 7 વિકેટે જીત મેળવી છે
બાંગલાદેશ વિરુદ્ધ ભારતે 7 વિકેટે જીત મેળવી છે
પૂણે, તા. 19 : ચેઝ માસ્ટર વિરાટ કોહલીની અણનમ સદીથી ભારતે આજની મેચમાં બાંગલાદેશ વિરુદ્ધ 7 વિકેટે આક્રમક જીત મેળવીને વિશ્વકપમાં આગેકૂચ કરી છે અને જીતનો ચોગ્ગો ફટકાર્યો છે. હવે ટીમ ઇન્ડિયા 22મીએ મજબૂત ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ભારતીય ટીમે વિજયનો ચોગ્ગો ફટકાર્યો છે અને પોઇન્ટ ટેબલ પર 8 અંક સાથે ન્યૂઝીલેન્ડ પછી બીજાં સ્થાને છે. ભારતીય બોલરોએ બાંગલાદેશને 8 વિકેટે 256 રન સુધી સીમિત રાખ્યા બાદ જવાબમાં ટીમ ઇન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને પ1 દડા બાકી રાખી 41.3 ઓવરમાં 261 રન હાંસલ કરી લીધા હતા. કિંગ કોહલીએ વિજયી છગ્ગો ફટકારીને વિશ્વકપની તેની ત્રીજી અને વન-ડે ફોર્મેટની 48મી સદી પૂરી કરી હતી. તે હવે સચિનની વિક્રમી 49 સદીથી ફક્ત એક સદી દૂર છે. પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલીએ 97 દડામાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાથી 103 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તેના સાથમાં કેએલ રાહુલ 3 ચોગ્ગા-1 છગ્ગાથી 34 રને નોટઆઉટ રહ્યો હતો. આ બન્ને વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં 83 રન થયા હતા. ભારત તરફથી આ સિવાય ગિલે પણ અર્ધસદી (પ3) અને કપ્તાન રોહિતે 48 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. જો કે, મેચ દરમ્યાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને થયેલી ઇજાએ ભારત માટે ચિંતાય સર્જી છે. 2પ7 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત આક્રમક રહી હતી. કપ્તાન રોહિત શર્માએ પ્રારંભથી જ પાવર હિટિંગ શરૂ કર્યું હતું, જ્યારે શુભમન ગિલે પ્રારંભે ધીમી બેટિંગ બાદ ગિયર બદલી સ્ટ્રોકફૂલ બેટિંગ કરીને ભારતની રન રફતાર વધારી હતી. કપ્તાન રોહિત શર્મા અર્ધસદી નજીક પહોંચીને 7 ચોગ્ગા-2 છગ્ગાથી આકર્ષક 48 રને બાઉન્ડ્રી લાઇન પર કેચઆઉટ થયો હતો. તેના અને ગિલ વચ્ચે પહેલી વિકેટમાં 76 દડામાં 88 રનની ઝડપી ભાગીદારી થઇ હતી, જ્યારે શુભમન ગિલ વિશ્વકપની તેની પહેલી અર્ધસદી પૂરી કરીને પપ દડામાં પ ચોગ્ગા-2 છગ્ગાથી પ3 રને આઉટ થયો હતો. તે પણ સિક્સ ફટકારવાના પ્રયાસમાં રોહિતની જેમ બાઉન્ડ્રી લાઇનની ઠીક નજીક કેચઆઉટ થયો હતો. તેણે કોહલી સાથે બીજી વિકેટમાં 44 રનની ભાગીદારી કરી હતી. શ્રેયસ અય્યર પણ 19 રનની ટૂંકી ઈનિંગ્સ બાદ છગ્ગો મારવાના ચક્કરમાં કેચઆઉટ થયો હતો. બાંગલાદેશ તરફથી મહેંદી હસનને 2 વિકેટ મળી હતી. ભારતીય ટીમ હવે રવિવારે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. અગાઉ બાંગલાદેશે ટોસ જીતીને પૂણેની સપાટ વિકેટ પર બેટિંગ પસંદ કરી હતી. સારી શરૂઆત બાદ ભારતની અસરદાર સ્પિન અને ઝડપી બોલિંગ સામે બાંગલાદેશની ટીમ પ0 ઓવરમાં 8 વિકેટે 2પ6 રનનો સામાન્ય સ્કોર કરી શકી હતી. ભારતે તેની ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, જ્યારે ઇજાને લીધે બાંગલાદેશનો કપ્તાન શકિબ અલ હસન આ મેચની બહાર થયો હતો. બાંગલાદેશ તરફથી બન્ને ઓપનર તંજિદ હસન અને લિટન દાસે અર્ધસદી કરી હતી. તંજિદ 43 દડામાં પ ચોગ્ગા અને 3 છગ્ગાથી પ1 રને અને લિટન દાસ 82 દડામાં 7 ચોગ્ગાથી 66 રને આઉટ થયા હતા. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 88 દડામાં 93 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. આ બે સિવાયના બાકીના બાંગલા બેટધરો ભારતીય બોલિંગનો સામનો કરી શક્યા ન હતા. સાતમા ક્રમના મહમદુલ્લાહે 36 દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી 46 રનની ઇનિંગ્સ રમીને બાંગલાદેશનો સ્કોર 2પ0 ઉપર પહોંચાડયો હતો, જ્યારે અનુભવી વિકેટકીપર મુશફીકૂર રહેમાને 38 રન બનાવ્યા હતા. ઇનચાર્જ કેપ્ટન નઝમૂલ શાંતો 8, મહેંદી હસન મિર્ઝા 3, તૈહિન હ્યદય 16, નાસૂમ અહમદ 14, મુસ્તાફીઝૂર રહેમાને અણનમ 1 અને શોરિફૂલ ઇસ્લામે અણનમ 7 રન કર્યા હતા. ભારત તરફથી બુમરાહ, સિરાજ અને જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. ઠાકુર અને કુલદીપને 1-1 વિકેટ મળી હતી. સિરાજે બે વિકેટ જરૂર લીધી હતી, પણ તે ફરી ખર્ચાળ સાબિત થયો હતો અને 10 ઓવરમાં 60 રન આપ્યા હતા. બુમરાહે ફરી શાનદાર બોલિંગ કરી હતી. સ્કોરબોર્ડ : બાંગલાદેશ : તંજિદ હસન-એલબીડબલ્યુ બો. કુલદીપ યાદવ-51, લિટનદાસ-કો. શુભમન ગીલ બો. રવીન્દ્ર જાડેજા-66, શાંતો-એલબીડબલ્યુ બો. રવીન્દ્ર જાડેજા-8, મહેંદીહસન મિરાજ-કો. રાહુલ બો. સિરાજ-3, તૌહીદ હૃદય-કો. શુભમન ગિલ બો. ઠાકુર-16, મુશફીકૂર રહીમ-કો. રવીન્દ્ર જાડેજા બો. બુમરાહ-38, મહમદુલ્લાહ-બો. બુમરાહ-46, નસૂમ અહેમદ-કો. રાહુલ બો. સિરાજ-14, મુસ્તાફીઝૂર-અણનમ-1, શોરીફૂલ ઇસ્લામ-અણનમ-7, વધારાના-6, કુલ – 50 ઓવરમાં 8 વિકેટે 256. વિકેટ પતન : 93/1, 110/2, 129/3, 137/4, 179/5, 201/6, 233/7, 248/8. બોલિંગ : બુમરાહ : 10-1-41-2, સિરાજ : 10-0-60-2, હાર્દિક પંડયા : 0.3-0-8-0, કોહલી : 0.3-0-2-0, ઠાકુર : 9-0-59-1, કુલદીપ યાદવ : 10-0-47-1, રવીન્દ્ર જાડેજા : 10-0-38-2. ભારત : રોહિત શર્મા-કો. તોહીદ હૃદય બો. હસન મહમૂદ-48, શુભમન ગિલ-કો. મહમદુલ્લાહ બો. મહેંદી હસન મિરાઝ-53, વિરાટ કોહલી-અણનમ-103, શ્રેયસ અય્યર-કો. મહમદુલ્લાહ બો. મહેંદી હસન મિરાઝ-19, કે.એલ. રાહુલ-અણનમ-34, વધારાના-6, કુલ-41.3 ઓવરમાં 3 વિકેટે 261. વિકેટ પતન : 1/88, 2/132, 3/178. બોલિંગ : ઇસ્લામ : 8-0-54-0, રહેમાન : 5-0-29-0, અહેમદ : 9.3-0-60-0, મહમૂદ : 8-0-65-1, મિરાઝ : 10-0-47-2, મહમદુલ્લાહ : 1-0-6-0.
હાર્દિક પંડયાને ઇજા : સ્કેન માટે હોસ્પિટલ લઇ જવો પડયો
પૂણે, તા. 19 : વિશ્વ કપના આજના બાંગલાદેશ વિરુદ્ધની મેચ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને ઇજાને લીધે મેદાન છોડવું પડયું હતું. બાદમાં તે બાંગલાદેશની ઇનિંગ દરમિયાન મેદાનમાં પાછો ફરી શક્યો ન હતો. હાર્દિક પંડયાને તેની પહેલી ઓવર દરમિયાન એક શોટ પગથી રોકવાની કોશિશ કરી હતી. આ દરમિયાન તેના પગનો પંજો વળી ગયો હતો. જો કે તેણે બોલિંગ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, પણ દર્દને લીધે તેને ફિઝિયોની મદદ લેવી પડી હતી અને બાદમાં કણસતી હાલતમાં મેદાન છોડવું પડયું હતું. બાદમાં તેની ઓવર વિરાટ કોહલીએ પૂરી કરી હતી. બીસીસીઆઇએ હાર્દિકની ઇજા વિશે અપડેટ આપતા જણાવ્યું કે, જરૂર પડશે તો તે બેટિંગમાં ઉપલબ્ધ રહેશે. અહેવાલ અનુસાર હાર્દિકની ઇજા ગંભીર છે. તેને સ્કેન માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તે વિશ્વ કપના આગામી મેચમાં ક્યારે ઉપલબ્ધ થશે તેનું ચિત્ર બાદમાં સ્પષ્ટ થશે. હાર્દિકની ઇજાથી ટીમ ઇન્ડિયાની ચિંતા વધી છે.
