એશિયન ગેમ્સમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને લઈને ચારેતરફથી વાહવાહ થઈ

newzcafe
3 Min Read

ભારતે એશિયન ગેમ્સમાં મેડલની સદી કરી


ભારતે એશિયન ગેમ્સમાં મેડલની સદી કરીને ઈતિહાસ સર્જી દીધો છે


ચંદ્રકોની સદી : ક્રિકેટ, કબડ્ડીમાં સ્વર્ણિમ પ્રદર્શન


નવી દિલ્હી, તા. 7 : ભારતે એશિયન ગેમ્સમાં મેડલની સદી કરીને ઈતિહાસ સર્જી દીધો છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને લઈને ચારેતરફથી વાહવાહ થઈ રહી છે. શનિવારે ભારતે એશિયન ગેમ્સની મેન્સ કબડ્ડી ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતે વિવાદથી ઘેરાયેલા ફાઇનલ મેચમાં ઈરાનને 33-29થી હરાવી દીધું હતું. આ સાથે જ ભારતે 28 ગોલ્ડ સહિત 107 મેડલ જીતી પોતાના અભિયાનનો અંત લાવ્યો હતો. આ ઉપરાંત ભારતે એશિયાડમાં મેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારત-અફઘાનિસ્તાનનો ફાઇનલ મુકાબલો વરસાદનાં કારણે અનિર્ણિત રહ્યો હતો અને ટીમ ઇન્ડિયાને ટોપ રેન્કિંગનાં કારણે ચેમ્પિયન ઘોષિત કરવામાં આવી હતી. કબડ્ડીમાં ઈરાન અને ભારત 28-28ની બરાબરીએ હતા ત્યારે પોઇન્ટને લઈને વિવાદ થયો હતો તેમજ મેચ સસ્પેન્ડ કરવો પડયો હતો. વિવાદ ઉકેલાયા બાદ મુકાબલો ફરીથી શરૂ થયો હતો અને ભારતે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ભારતે દિવસના અન્ય ગોલ્ડ પુરુષ ક્રિકેટ, આર્ચરી (બે ગોલ્ડ), બેડમિન્ટન અને મહિલા કબડ્ડીમાં જીત્યા હતા. આ સાથે ભારતે પહેલી વખત એશિયન ગેમ્સમાં 100 મેડલનો આંકડો પાર કર્યો છે. એશિયન ગેમ્સમાં દીપક પુનિયાએ મેન્સના 86 કિલો ફ્રી સ્ટાઇલ ફાઇનલમાં ઈરાનના હસન યઝદાની સામે 10-0થી હારનો સામનો કરવો પડયો હતો અને સિલ્વર મેડલ મળ્યો હતો. મહિલા કબડ્ડીમાં ચાઇનિઝ તાઇપેને ભારતે 26-25થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે મેન્સ ટીમે ઈરાનને 33-29થી હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી મેન્સ ક્રિકેટ ફાઇનલ મેચ વરસાદનાં કારણે રદ થઈ હતી. જેમાં ભારત ટોચનું ક્રમાંકિત હોવાથી વિજેતા જાહેર થયું હતું. મેચની એક જ ઇનિંગ્સ પૂરી થઈ હતી. જેમાં અફઘાનિસ્તાને 5 વિકેટે 112 રન કર્યા હતા. ભારતની ઇનિંગ્સ શરૂ થઈ શકી નહોતી. આ પહેલાં બેડમિન્ટનની મેન્સ ડબલ્સ સ્પર્ધામાં સાત્ત્વિક- ચિરાગની જોડીએ ભારત માટે ગોલ્ડ  જીત્યો હતો. બાદમાં મહિલા કબડ્ડી ટીમે ચીની તાઇપેને ફાઇનલમાં 26-25થી હરાવીને ગોલ્ડ પોતાનાં નામે કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતનો 100મો મેડલ હતો. ચીનના હાંગ્ઝુમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતને 24 સપ્ટેમ્બરના શૂટિંગમાં પહેલું પદક મળ્યું હતું. બાદથી જીતનો સિલસિલો ચાલી રહ્યો છે. આ પહેલા 2018માં જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતે સૌથી વધારે 70 મેડલ જીત્યા હતા. સાત ઓક્ટોબરના દિવસે શરૂઆત તીરંદાજીના કમ્પાઉન્ડ ઇન્ડિવિજુઅલ મહિલા સ્પર્ધામાં બે મેડલ સાથે થઈ હતી. ભારતને પહેલો મેડલ અદિતિ ગોપીચંદ સ્વામીએ અપાવ્યો હતો. બીજો મેડલ જ્યોતિ સુરેખા વેન્નમે અપાવ્યો હતો. તે લિસ્ટમાં બીજા નંબરે રહેતા સિલ્વર મળ્યો હતો. આ ઉપરાંત ઓજસ પ્રવીણે ગોલ્ડ માટેના મુકાબલામાં હમવતન અભિષેક વર્માને હરાવ્યો હતો. જેનાથી ઓજસને ગોલ્ડ અને અભિષેકને સિલ્વર મળ્યો હતો.  

Share This Article