ISSF World Championships 2026માં ઈશા સિંહ, મનુ ભાકર અને દિવ્યા થાડિગોલ સુબ્બારાજુએ મહિલાઓની 25 મીટર પિસ્ટલ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે, વ્યક્તિગત ફાઇનલમાં સ્ટાર નિશાનેબાજ મનુ અને ઈશા 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકનો ક્વોટા મેળવવાની તક ચૂકી ગયાં હતાં. વ્યક્તિગત ફાઇનલમાં ઈશા સિંહ આઠમા અને અંતિમ સ્થાને રહી હતી, જ્યારે બે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર નજીવા અંતરથી મેડલ જીતવામાં ચૂકી જતાં ચોથા સ્થાને રહી હતી.
દક્ષિણ કોરિયાએ ગોલ્ડ મેડલ જીત્યો
દક્ષિણ કોરિયાની યાંગ જિને 44 પોઇન્ટના વિશ્વ વિક્રમ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. વિયેતનામની ત્રિન્હ થુ વિન્હે 43 પોઇન્ટ સાથે સિલ્વર અને ચીનની ઝાંગ યુયુએ 34 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્રણેય મેડલ વિજેતાઓએ પોતાના દેશ માટે 2028 ઓલિમ્પિકનો ક્વોટા પણ નિશ્ચિત કર્યો હતો.
ઈશા ત્રીજા અને મનુ છઠ્ઠા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચી હતી. જોકે, બંને ભારતીય નિશાનેબાજ ફાઇનલમાં પોતાનું પ્રદર્શન જાળવી શકી નહોતી. આ ચેમ્પિયનશિપમાં લોસ એન્જલસ ઓલિમ્પિકના કુલ 36 ક્વોટા દાવ પર છે.
તાજેતરમાં આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં આ જ સ્પર્ધાની વ્યક્તિગત સિલ્વર મેડલ વિજેતા બનેલી ઈશાનું ફાઇનલમાં પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. તે ચાર શ્રેણીમાં અનુક્રમે એક, પાંચ, ત્રણ અને બે જ નિશાન લગાવી શકી હતી. આ રીતે 20માંથી માત્ર 11 હિટ સાથે તેને સૌથી પહેલાં સ્પર્ધામાંથી બહાર થવું પડ્યું હતું.
મનુએ અનેક શૂટઆઉટમાં સ્થાન મેળવીને મેડલની આશા જીવંત રાખી હતી, પરંતુ અંતે તે ચોથા સ્થાને રહી હતી. તેણે કુલ 27 હિટ મેળવ્યા હતા.
જયપાલ માલવિયાએ અપાવ્યો ઓલિમ્પિક ક્વોટા
ભારત અત્યાર સુધી માત્ર એક જ ઓલિમ્પિક ક્વોટા મેળવી શક્યું છે. આ ક્વોટા પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં જયપાલ માલવિયાએ અપાવ્યો છે. ભારતીય શૂટિંગ ટીમનું અત્યાર સુધીનું અભિયાન અપેક્ષા મુજબ રહ્યું નથી. ખાસ કરીને રાઇફલ સ્પર્ધાઓમાં નિરાશાજનક પ્રદર્શને ચિંતા વધારી છે.
સાધનોમાં ખામીના કારણે રાઇફલ નિશાનેબાજ સાંભવી ક્ષીરસાગરને અયોગ્ય જાહેર કરવામાં આવતાં પણ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
દબાણની પરિસ્થિતિમાં ભારતીય નિશાનેબાજો વારંવાર પોતાનું પ્રદર્શન જાળવવામાં નિષ્ફળ રહેતાં દેશના હાઇ પરફોર્મન્સ કાર્યક્રમ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
જોકે, વ્યક્તિગત ફાઇનલ પહેલાં ઈશાએ ક્વોલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હૈદરાબાદની 21 વર્ષીય નિશાનેબાજે બે દિવસ સુધી ચાલેલી ક્વોલિફિકેશન સ્પર્ધામાં 590 પોઇન્ટ મેળવીને ભારતીય ત્રણેય નિશાનેબાજોમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મનુ ભાકરના 587 અને દિવ્યા સુબ્બારાજુના 584 પોઇન્ટના આધારે ભારતીય ટીમે કુલ 1761 પોઇન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
હવે ભારતને ટ્રેપ ટીમ પાસેથી આશા
ભારતીય શૂટિંગ ટીમની મેડલ અને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકના ક્વોટાની આશા હવે પુરુષ અને મહિલા ટ્રેપ ટીમો પર ટકેલી છે. જોકે, મહિલા ટ્રેપ ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી.
ત્રણ દિવસની ક્વોલિફિકેશન સ્પર્ધના પ્રથમ દિવસે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી નીરુ ધાંડાનું પ્રદર્શન તેની ક્ષમતા પ્રમાણે રહ્યું નહોતું. એશિયન ગેમ્સ 2026માં વ્યક્તિગત અને મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ જીતનારી નીરુએ 25-25 નિશાનના પ્રથમ બે રાઉન્ડમાં અનુક્રમે 20 અને 19 પોઇન્ટ મેળવ્યા હતા. આ રીતે કુલ 39 પોઇન્ટ સાથે તે 77 નિશાનેબાજોમાં 69મા સ્થાને રહી હતી.
ભારતની પ્રગતિ દુબેએ તુલનાત્મક રીતે સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 24 અને 22 પોઇન્ટ સાથે કુલ 46 પોઇન્ટ મેળવીને 18મું સ્થાન મેળવ્યું હતું. મનીષા કીરે 23 અને 20 પોઇન્ટ સાથે કુલ 43 પોઇન્ટ મેળવ્યા હતા અને તે 41મા સ્થાને રહી હતી.
ત્રણેય ભારતીય નિશાનેબાજો સામે હવે આઠ સભ્યોની ફાઇનલમાં સ્થાન મેળવવા માટે આગામી રાઉન્ડમાં મજબૂત વાપસી કરવાનો પડકાર છે. ક્વોલિફિકેશન સ્પર્ધામાં બુધવારે 25-25 નિશાનના વધુ બે રાઉન્ડ રમાશે, જ્યારે ગુરુવારે પાંચમો અને અંતિમ રાઉન્ડ યોજાશે. પાંચેય રાઉન્ડ બાદ ટોચના આઠ નિશાનેબાજો ફાઇનલમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં ભારતીય નિશાનેબાજો માટે આગામી બે દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

