Neeraj Yadav Suicide: ત્રણ વખતના ગોલ્ડ મેડલ વિજેતા પેરા એથ્લેટ નીરજ યાદવનું ઝેર ખાવાથી મૃત્યુ થયાનો દાવો

Arati Parmar
2 Min Read

Neeraj Yadav Suicide: એશિયન પેરા ગેમ્સમાં ભારત માટે ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતનારા નીરજ યાદવે આત્મહત્યા કરી હોવાનો અહેવાલ છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. તેઓ F55 કેટેગરીમાં ભાગ લેતા હતા. 2018ની પેરા એશિયન ગેમ્સમાં તેમણે જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે સમયે તેમણે એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. 2022ની ગેમ્સમાં જેવલિનની સાથે ડિસ્કસ થ્રોમાં પણ નીરજે દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા.

ઝેર ખાવાથી નીરજનું મૃત્યુ થયું

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે ઝેર ખાધું હતું. દિલ્હી સ્થિત GTB હૉસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ભારતના મુખ્ય પેરા એથ્લેટિક્સ કોચ એસ. સત્યનારાયણે નીરજ યાદરની આત્મહત્યાની પુષ્ટિ કરી હતી. સત્યનારાયણે જણાવ્યું હતું, ‘નીરજે આત્મહત્યા કરી છે. મને પણ આવી જ માહિતી મળી છે. મને જણાવવામાં આવ્યું છે કે તેણે ગઈ રાત્રે પોતાના ફ્લેટમાં ઝેર ખાધું હતું. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે.’

- Advertisement -

ડોપિંગને કારણે નીરજ સસ્પેન્ડ હતા

નીરજ યાદવ જાપાનમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સ 2026માં ભાગ લઈ શક્યા નહોતા. 2023માં તેઓ ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા હતા. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ 2023માં તેમનો ડોપિંગ ટેસ્ટ કર્યો હતો. બેંગલુરુમાં સ્પર્ધાની બહાર કરવામાં આવેલા ટેસ્ટમાં તેઓ એનાબોલિક સ્ટેરોઇડ માટે પોઝિટિવ મળી આવ્યા હતા. આ કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેઓ અગાઉની પેરા એશિયન ગેમ્સમાં ભાગ લઈ શક્યા નહોતા.

તેઓ રમતોમાં ભાગ લેવા માટે ઉત્સુક રહ્યા હશે. એશિયન પેરા ગેમ્સમાં મેડલ જીતવા બદલ સરકાર તરફથી ઇનામની રકમ મળી શકે છે. પરંતુ તેમનું સસ્પેન્શન સમાપ્ત થયું નહોતું, તેથી તેઓ ભાગ લઈ શક્યા નહોતા. શક્ય છે કે આ બાબતની તેમના પર ઊંડી અસર પડી હોય, પરંતુ તેઓ કયા સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હતા તે અંગે અમે ચોક્કસપણે કહી શકતા નથી. – એસ. સત્યનારાયણ

- Advertisement -

નીરજ યાદવ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી હતા. નીરજને સાત વર્ષની ઉંમરે પોલિયો હોવાનું જાણવા મળ્યું હતું. તેના કારણે તેમની નસોને નુકસાન થયું હતું. લગભગ સાત વર્ષ સુધી વ્હીલચેર ટેનિસ રમ્યા બાદ નીરજે 2015માં એથ્લેટિક્સમાં પ્રવેશ કર્યો હતો.

- Advertisement -
Share This Article