Pakistan U19 Women Cricket: પાકિસ્તાનની અંડર-19 મહિલા ટીમની શરમજનક હાર, એક જ મેચમાં 5 બેટ્સમેન રનઆઉટ, શ્રીલંકાએ 9 વિકેટે હરાવ્યું

Arati Parmar
3 Min Read

Pakistan U19 Women Cricket: મોહસિન નકવી PCBના અધ્યક્ષ બન્યા ત્યારથી પાકિસ્તાન ક્રિકેટની સ્થિતિ સતત ખરાબ થતી જઈ રહી છે. ટીમને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે અને નકવીના જીદભર્યા વલણને કારણે અનેક પ્રસંગોએ ખેલાડીઓને નુકસાન પણ થયું છે. તેનું તાજેતરનું ઉદાહરણ શ્રીલંકા અને પાકિસ્તાનની અંડર-19 મહિલા ટીમ વચ્ચેની મેચમાં જોવા મળ્યું. આ મેચમાં પાકિસ્તાની યુવતીઓ રન લેવા માટે દોડવામાં જ સંઘર્ષ કરતી જોવા મળી. 20 ઓવરની મેચમાં 5 બેટ્સમેન રનઆઉટ થઈને પેવેલિયન પરત ફરી. આથી ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને ખૂબ જ ઓછા સ્કોર પર સમેટાઈ ગઈ. શ્રીલંકાની ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. હવે ફરી એક વાર પાકિસ્તાનની મજાક ઉડી રહી છે, કારણ કે અહીં યુવા ખેલાડીઓને રન લેવા માટે દોડવાનું પણ શીખવવામાં આવી રહ્યું નથી.

આ મેચ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની અંડર-19 મહિલા ટીમો વચ્ચેની ટ્રાઇ સિરીઝમાં રમાઈ હતી. આ ટ્રાઇ સિરીઝમાં પાકિસ્તાની ટીમ માત્ર એક મેચ જીતી શકી છે. 3 હાર બાદ ટીમ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

- Advertisement -

એક જ ઇનિંગમાં પાકિસ્તાનની 5 બેટ્સમેન રનઆઉટ

પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાની ટીમે સારી શરૂઆત કરી હતી. કોમલ ખાન અને રવૈલ ફરહાન વચ્ચે પ્રથમ વિકેટ માટે 10.2 ઓવરમાં 57 રનની ભાગીદારી થઈ હતી. રવૈલ 26 બૉલમાં 4 ચોગ્ગાની મદદથી 26 રન બનાવીને આઉટ થઈ હતી. ત્યારબાદ એવી આશા રાખવામાં આવી રહી હતી કે પાકિસ્તાની ટીમ પછીની ઓવરોમાં ઝડપથી રન બનાવીને સારા સ્કોર સુધી પહોંચી શકશે. જોકે, એવું થયું નહીં. રવૈલ બાદ બેટિંગ કરવા આવેલી ખેલાડીઓથી રન લેવા માટે દોડાતું જ નહોતું. એક પછી એક 5 બેટ્સમેન રનઆઉટ થઈને પેવેલિયન પરત ફરી. આ દરમિયાન ઓપનર કોમલ પણ 59 બૉલમાં 7 ચોગ્ગાની મદદથી 54 રન બનાવીને આઉટ થઈ ગઈ. અંતે આખી ટીમે 8 વિકેટ ગુમાવીને માત્ર 110 રન બનાવ્યા.

શ્રીલંકાએ સરળતાથી મેચ જીતી

શ્રીલંકાની અંડર-19 મહિલા ટીમ માટે 111 રનનું લક્ષ્ય મુશ્કેલ નહોતું. ઓપનર સંજનાએ 46 બૉલમાં 61 રનની ઇનિંગ રમીને ટીમનું કામ વધુ સરળ બનાવી દીધું. તેણે 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. બીજી તરફ, વિમોક્ષા બાલસૂર્યા 46 બૉલમાં 43 રન બનાવીને અણનમ રહી હતી. શ્રીલંકાની ટીમે 15.2 ઓવરમાં 111 રન બનાવીને 9 વિકેટે જીત મેળવી. પાકિસ્તાન માટે એકમાત્ર વિકેટ મહનૂર જેબે લીધી હતી.

- Advertisement -

પોઇન્ટ ટેબલમાં પાકિસ્તાન સૌથી છેલ્લે

આ ટ્રાઇ સિરીઝમાં પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો રમી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સૌથી સારી ટીમ હશે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. મોહસિન નકવીની ટીમ સૌથી છેલ્લા સ્થાને છે. તમામ ટીમોએ 4 મેચ રમી છે. શ્રીલંકાએ 3 મેચ જીતી છે અને 6 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. બાંગ્લાદેશની ટીમે 2 મેચ જીતીને 4 પોઇન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, પાકિસ્તાન માત્ર એક મેચ જીત્યું છે અને 2 પોઇન્ટ સાથે સૌથી છેલ્લા સ્થાને છે. આશ્ચર્યની વાત એ છે કે બાંગ્લાદેશ સામે પાકિસ્તાને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

- Advertisement -
Share This Article