નવી દિલ્હી, તા.19: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરે ઘરેલુ ક્રિકેટની પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને દુલિપ ટ્રોફીમાં વિશ્રામ આપવાના બીસીસીઆઇના નિર્ણયની ગાવસ્કરે આકરી ટીકા કરી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે બીસીસીઆઇ દુલિપ ટ્રોફીની ચાર ટીમ જાહેર કરી ચૂકી છે. જેમાં મોટાભાગના સ્ટાર ખેલાડી રમવાના છે. ફકત રોહિત, વિરાટ, અશ્વિન, બુમરાહ અને હાર્દિકને આરામ અપાયો છે. ટીમ ઇન્ડિયાને આગામી દિવસોમાં બાંગલાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે.

આમ છતાં લાલ દડાની આ ટૂર્નામેન્ટમાં રોહિત-વિરાટને વિશ્રામ આપવાથી ગાવસ્કર નારાજ છે. ગાવસ્કરે જણાવ્યું કે રોહિત અને વિરાટ મેચ પ્રેક્ટિસ વિના જ બાંગલાદેશ સામેની ટેસ્ટ શ્રેણી રમશે. કોઇ ખેલાડી જયારે 30 વર્ષનો થઇ જાય છે ત્યારે તેના સ્નાયૂઓ નબળા પડે છે. ઉચ્ચસ્તરની ફિટનેસ માટે આવા ખેલાડીઓએ નિયમિત રીતે મેચ રમવી જરૂરી છે. બુમરાહ ઝડપી બોલર છે અને તેની પીઠની સમસ્યાને જોતા તેના વર્કલોડને ધ્યાને રાખવું સમજદારી છે પણ બેટધરોને વિશ્રામ કેમ અપાયો છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ પહેલા ડોમેસ્ટિક ક્રિકેટનો હિસ્સો બનવાથી ખેલાડીને ઘણો ફાયદો મળે છે. વિરાટ કોહલીએ ગત ઇંગ્લેન્ડ સામેની પ મેચની શ્રેણી અંગત કારણોસર રમ્યો ન હતો. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યંy હતું કે અમે નથી ઇચ્છતા કે રોહિત અને વિરાટ જેવા અનુભવી ખેલાડી ઘરેલુ ક્રિકેટમાં ઇજાગ્રસ્ત થઇ જાય. અમારે રેડ બોલથી ઘણી સિરીઝ રમવાની છે. તેમના પર અમે ખતરો લઈ શકીએ નહીં.

