Sanju Samson: સંજુ સેમસને ખરાબ ફોર્મ અંગે તોડ્યું મૌન, કહ્યું- રન ન બનાવવા માટે બીજા કોઈને દોષ આપતો નથી

Arati Parmar
3 Min Read

Sanju Samson: ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને T20 વર્લ્ડ કપ 2026માં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. શરૂઆતની મેચોમાં બહાર બેઠા બાદ તેમની વાપસી થઈ હતી. તેઓ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન રહ્યા અને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર જીત્યો. જોકે, વર્લ્ડ કપ બાદ તેમનું ફોર્મ ખરાબ થઈ ગયું. ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન તેમને પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા હતા. પોતાના ખરાબ ફોર્મ અને ટીમમાં સ્થાનને લઈને ઉઠી રહેલા સવાલોના જવાબ આપ્યા છે.

અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં સારા પ્રદર્શન બાદ જાપાન પ્રવાસ દરમિયાન સંજુનું બેટ શાંત રહ્યું. વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 શ્રેણીની પ્રથમ મેચમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા, પરંતુ બીજી મેચમાં ધમાકેદાર બેટિંગ કરી. રાંચીમાં સંજુએ 200ના સ્ટ્રાઇક રેટથી 41 બૉલમાં 82 રન બનાવ્યા.

- Advertisement -

સંજુ સેમસને પોતાના ફોર્મ વિશે શું કહ્યું?

રાંચીમાં 82 રનની ઇનિંગ રમ્યા બાદ સંજુને બ્રોડકાસ્ટર્સે પૂછ્યું કે અગાઉની ચાર ઇનિંગ્સની સરખામણીએ આ વખતે તેમની બેટિંગમાં શું તફાવત હતો? તેના જવાબમાં સેમસને કહ્યું, ‘કંઈ જ નહીં. મને એવું લાગતું નથી. ભારત માટે રમતા ક્રિકેટર તરીકે તમે પોતાની તૈયારી, પ્રેક્ટિસ અને ટ્રેનિંગનું ધ્યાન રાખો છો. તમે એ બધું કરો છો, જે તમારા હાથમાં હોય છે. આપણે બધા જાણીએ છીએ કે આ ફૉર્મેટમાં મેચનું પરિણામ તમારા હાથમાં હોતું નથી. અહીં આગળ વધવાનો એક જ રસ્તો છે. તમે એવું કહી શકતા નથી કે મેં ત્રણ ઇનિંગ્સમાં રન બનાવ્યા નથી, તેથી હવે થોડો સમય લઈને મારી ઇનિંગને આગળ વધારીશ અને પછી જોઈશ કે શું થાય છે. આવું કરી શકાય નહીં, કારણ કે ટીમ સૌથી પહેલાં છે.’

સેમસને પોતાની જવાબદારી સ્વીકારતાં કહ્યું, ‘હું તેની જવાબદારી પોતે લઉં છું. રન ન બનાવવા માટે હું બીજા કોઈને દોષ આપતો નથી. આ મારું કામ છે અને જ્યારે પણ હું મેદાનમાં ઊતરું છું, ત્યારે તેને કરવાની કોશિશ કરું છું.’

- Advertisement -

સંજુ સેટ થયા બાદ મોટી ઇનિંગ જ રમે છે

2026માં સંજુ સેમસને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 22 મેચમાં 176ના સ્ટ્રાઇક રેટથી 628 રન બનાવ્યા છે. જો તેઓ પીચ પર સેટ થઈ જાય છે, તો મોટી ઇનિંગ રમે છે. 22 ઇનિંગ્સમાં તેમની 6 અડધી સદી છે અને ચાર વખત 80થી વધુનો સ્કોર બનાવ્યો છે. તેઓ એક પણ વખત ફરીથી 30થી 49 રનની વચ્ચે આઉટ થયા નથી. જોકે, વેસ્ટ ઇન્ડિઝ સામેની તેમની 82 રનની ઇનિંગ બાદ પણ ભારતે હારનો સામનો કરવો પડ્યો.

- Advertisement -
Share This Article