વરસાદના વિઘ્નની ભારત-પાક મેચમાં શક્યતા રહેલી છે
વરસાદના વિઘ્નની ભારત-પાક મેચમાં શક્યતા રહેલી છે
અમમદાવાદ, તા. 12: હવામાન વિભાગ દ્વારા આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડશે. શહેરમાં આગામી શનિવારથી ભારત અને પાકિસ્તાનની વર્લ્ડ કપની ક્રિકેટ મેચ રમાવાની છે ત્યારે ક્રિકેટ રસિકોની મજા બગડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં હળવા વરસાદની શક્યતાઓ છે. તે ઉપરાંત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર અમદાવાદમાં વરસાદની શક્યતા લગભગ નહિવત છે. આગામી 5 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. પરંતુ કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની સંભાવના છે. 14, 15 અને 16 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ હાલમાં વરસાદ બંધ હોવાથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. તેની સાથે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યારે ચોમાસાની વિદાયની સાથે હવે આકરો તાપ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં જ રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે.
