Tilak Varma T20 Record: T20માં તિલક વર્માની અનોખી સિદ્ધિ, 40થી વધુ સરેરાશ અને 140થી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવનાર એકમાત્ર બેટર બન્યા

Arati Parmar
3 Min Read

Tilak Varma T20 Record: તિલક વર્માનો T20 ક્રિકેટમાં ઐતિહાસિક કારનામો, 5000 રન સાથે બનાવ્યો અનોખો રેકોર્ડ

Tilak Varma T20 Record: T20 ક્રિકેટમાં ઝડપથી બેટિંગ કરીને સતત રન બનાવવા ક્યારેય સરળ હોતું નથી. આક્રમક બેટિંગ કરતા બેટરની સરેરાશ નબળી હોય છે, જ્યારે સારી સરેરાશ ધરાવતા બેટરોનો સ્ટ્રાઇક રેટ ઓછો હોય છે. ભારતીય ટીમના યુવા બેટર તિલક વર્માએ એવું કારનામું કર્યું છે, જે અત્યાર સુધી T20 ક્રિકેટમાં કોઈ કરી શક્યું નથી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રાંચીમાં રમાયેલી T20 શ્રેણીની બીજી મેચમાં તિલકે અણનમ 44 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેમણે માત્ર 18 બોલનો સામનો કર્યો અને 3 ચોગ્ગા ઉપરાંત 3 છગ્ગા ફટકાર્યા.

તિલક વર્માનો T20માં નવો વિક્રમ

તિલક વર્માએ આ ઇનિંગ દરમિયાન T20 ક્રિકેટમાં પોતાના 5000 રન પૂરા કર્યા. આ ફોર્મેટમાં 144 બેટરોએ 5000 કે તેથી વધુ રન બનાવ્યા છે. તિલક આ યાદીમાં એકમાત્ર એવા ખેલાડી બન્યા છે, જેમની બેટિંગ સરેરાશ 40થી વધુ અને સ્ટ્રાઇક રેટ 140થી વધુ છે. 144 બેટરોમાંથી માત્ર 5ની સરેરાશ 40થી વધુ છે. બીજી તરફ, 45 બેટરોનો સ્ટ્રાઇક રેટ 140થી વધુ છે, પરંતુ તિલક વર્મા એકમાત્ર એવા ખેલાડી છે, જે બંને યાદીમાં સ્થાન ધરાવે છે.

- Advertisement -

T20માં તિલક વર્માનો રેકોર્ડ

23 વર્ષના તિલક વર્માએ અત્યાર સુધી 175 T20 મેચ રમી છે. તેમાં તેમના કુલ 5031 રન થયા છે. તેમની બેટિંગ સરેરાશ 41.57 અને સ્ટ્રાઇક રેટ 145.36 છે. અત્યાર સુધી તેમણે 5 સદી ઉપરાંત 30 અડધી સદી ફટકારી છે. તેમની સર્વોચ્ચ ઇનિંગ 151 રનની છે. આ ફોર્મેટમાં તેઓ વિશ્વના એકમાત્ર એવા બેટર છે, જેમના નામે સતત ત્રણ મેચમાં સદી નોંધાયેલી છે. તેઓ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે, જ્યારે સ્થાનિક ક્રિકેટમાં હૈદરાબાદ માટે રમે છે.

ભારત માટે પણ શાનદાર પ્રદર્શન

તિલક વર્માએ 2023માં ભારત માટે T20 ઇન્ટરનેશનલમાં પદાર્પણ કર્યું હતું. અત્યાર સુધી 67 મેચની 63 ઇનિંગમાં તેઓ 45.20ની સરેરાશ અને 146.55ના સ્ટ્રાઇક રેટથી 1763 રન બનાવી ચૂક્યા છે. ICCના પૂર્ણ સભ્ય દેશો માટે 1000થી વધુ રન બનાવનારા બેટરોમાં પણ તિલક એકમાત્ર એવા ખેલાડી છે, જેમનો સ્ટ્રાઇક રેટ 140થી વધુ અને સરેરાશ 40થી વધુ છે. તિલકે T20 ઇન્ટરનેશનલમાં 66 મેચ રમી છે અને ત્રીજા ક્રમથી સાતમા ક્રમ સુધી બેટિંગ કરી છે. ચોથા અને છઠ્ઠા ક્રમે તેમની બેટિંગ સરેરાશ 50થી પણ વધુ છે.

- Advertisement -
Share This Article