દક્ષિણ આફ્રિકા જોડે આજે ત્રીજી અને નિર્ણાયક વન ડે
Thursday, 21 December 2023
દક્ષિણ આફ્રિકા જોડે આજે ત્રીજી અને નિર્ણાયક વન ડે
પર્લ (દ. આફ્રિકા) તા.20 : ભારત અને દ. આફ્રિકા વચ્ચે ગુરૂવારે ત્રીજો અને ફાઇનલ વન ડે મુકાબલો રમાશે. દ. આફ્રિકાએ બીજી વન ડેમાં ભારતને 8 વિકેટે હાર આપી હિસાબ બરાબર કર્યો છે. આથી ત્રણ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર છે. હવે બોલેંડ પાર્કની ઝડપી પિચ પર નિર્ણાયક જંગ રમાશે. શ્રેણી જીત માટે કેએલ રાહુલની આગેવાનીમાં ભારતીય ટીમે બોલિંગ અને બેટિંગમાં જોરદાર દેખાવ કરવો પડશે. કારણ કે બીજી મેચમાં આફ્રિકા તમામ મોરચે ભારતીય ટીમ પર હાવી રહ્યું હતું. પહેલા વન ડેમાં 8 વિકેટે કારમી હાર સહન કર્યાં બાદ એડન માર્કરમની ટીમ વાપસી કરવામાં સફળ રહી છે. ભારતીય ટીમ છેલ્લે વિરાટ કોહલીની કપ્તાનીમાં 2018માં આફ્રિકાને તેના ઘરમાં હરાવવામાં સફળ રહી હતી.
આ પછી કેએલ રાહુલના સુકાનીપદ હેઠળ ટીમ ઇન્ડિયાને 2022માં અહીં 0-3થી શ્રેણી હાર મળી હતી. હવે ફરી એકવાર શ્રેણી જીતની તક છે. બીજી તરફ આફ્રિકાની ટીમ ઘરઆંગણે વધુ એક શ્રેણી વિજય માટે મેદાને પડશે. આ માટે કપ્તાન માર્કરમને તેના બોલરો અને મીડલઓર્ડર બેટરો પાસેથી સારા દેખાવની આશા રહેશે. પર્લના બોલેંડ સ્ટેડિયમની પિચ ઝડપી બોલર અને આક્રમક બેટધર માટે અનુકુળ માનવામાં આવે છે. અહીં પિચમાંથી ઝડપી બોલરોને સારા સ્વિંગ મળે છે. જો કે બીજી ઇનિંગમાં સ્પિનરોને પણ પિચમાંથી મદદ મળે છે. આ મેદાનની બાઉન્ડ્રી ટૂંકી છે અને આઉટફિલ્ડ ઘણું ઝડપી છે. અહીં પહેલી ઇનિંગનો સરેરાશ સ્કોર 236 રન છે. આ મેદાન પર અત્યાર સુધીમાં 20 વન ડે મેચ રમાયા છે. જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમને 9 મેચમાં જીત મળી છે. ભારતીય ઇલેવનમાં એક ફેરફાર થઇ શકે છે. તિલક વર્માના સ્થાને રજત પાટીદારને તક મળી શકે છે. આ ઉપરાંત અક્ષર પટેલના સ્થાને યજુર્વેન્દ્ર ચહલને તકની સંભાવના છે. મેચ ગુરૂવારે ભારતીય સમય અનુસાર 4-30થી શરૂ થશે.
