Umesh Yadav Ranji Trophy comeback: ઉમેશ યાદવે 2 વર્ષ બાદ રેડ બૉલ ક્રિકેટમાં કરી શાનદાર વાપસી, પ્રથમ જ મેચમાં 5 વિકેટ ઝડપી

Arati Parmar
2 Min Read

Umesh Yadav Ranji Trophy comeback: ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર ઉમેશ યાદવે લગભગ 2 વર્ષના લાંબા ઇંતજાર બાદ રેડ બૉલ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. વિદર્ભનો સાથ છોડીને પંજાબ ક્રિકેટ ટીમમાં જોડાયેલા ઉમેશે પોતાની વાપસી અને પંજાબ માટેની ડેબ્યૂ મેચમાં જ ધારદાર બોલિંગ કરતાં 5 વિકેટ પોતાના નામે કરી છે. રણજી ટ્રોફી 2026-27ની ગ્રુપ મેચમાં આસામ સામે રમતી વખતે ઉમેશે પોતાની બોલિંગથી વિરોધી બેટ્સમેનોને ભારે મુશ્કેલીમાં મૂક્યા.

વિદર્ભ છોડીને પંજાબ માટે ડેબ્યૂ મેચ રમી, 24 ઓવરમાં મચાવ્યો કહેર

ઉમેશ યાદવે છેલ્લે વર્ષ 2024માં વિદર્ભ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યું હતું. ત્યાર બાદ તેઓ લાંબા સમય સુધી રેડ બૉલ ફૉર્મેટથી દૂર રહ્યા. પંજાબ ક્રિકેટ એસોસિએશને તેમના પર ભરોસો મૂકીને આ સિઝનની પ્લેઇંગ-11માં તક આપી અને ઉમેશે પોતાની પસંદગીને સંપૂર્ણપણે યોગ્ય સાબિત કરી.

- Advertisement -

પંજાબ માટે પોતાની પ્રથમ જ ઇનિંગ્સમાં ઉમેશ યાદવે 24 ઓવર બોલિંગ કરી, જેમાં 7 મેડન ઓવર ફેંકીને માત્ર 70 રન આપ્યા અને 5 મહત્ત્વપૂર્ણ વિકેટ મેળવી. ઉમેશના આ સ્પેલના આધારે આસામની ટીમ દાનિશ દાસ (103) અને સિબશંકર રોય (અણનમ 143)ની શતકીય ઇનિંગ્સ છતાં 117 ઓવરમાં માત્ર 373 રન જ બનાવી શકી. પંજાબ માટે ગુરનૂર બરાર અને ઇમોનજોત સિંહ ચહલે પણ 2-2 વિકેટ લીધી, જ્યારે હરપ્રીત બરારને 1 સફળતા મળી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15મી વખત 5 વિકેટ હૉલ

ઉમેશ યાદવ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તરે લાંબા સમયથી પોતાની ઝડપી ગતિ અને સ્વિંગ માટે જાણીતા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેમનો 15મો 5 વિકેટ હૉલ છે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનો રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો છે. તેમણે અત્યાર સુધી રમેલી 57 ટેસ્ટ મેચમાં 170 વિકેટ અને 75 વનડે મેચમાં 106 વિકેટ મેળવી છે, જ્યારે 9 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેમના નામે 12 વિકેટ નોંધાયેલી છે.

- Advertisement -

તેમની સમગ્ર કારકિર્દીની વાત કરીએ તો ઉમેશે 124 ફર્સ્ટ ક્લાસ મેચમાં 29.71ની સરેરાશથી 380 વિકેટ (15 વખત 5 વિકેટ હૉલ) ઝડપી છે. જ્યારે 136 લિસ્ટ-A મેચમાં 194 વિકેટ અને 197 T20 મેચમાં કુલ 205 વિકેટ પોતાના નામે કરી છે.

- Advertisement -
Share This Article