શું આઇપીએલની હરાજી દુબઇમાં થશે ?
શું આઇપીએલની હરાજી દુબઇમાં થશે ?
નવી દિલ્હી, તા. 26 : એક તરફ વન ડે વર્લ્ડ કપનો રોમાંચ ચાલી રહ્યો છે. બીજી તરફ બીસીસીઆઇએ આઇપીએલ-2024ની સીઝનની તૈયારી આરંભી છે. અહેવાલ અનુસાર આ વખતે આઇપીએલની ખેલાડીઓની હરાજી દેશ બહાર થશે. જે દુબઇમાં થવાની પૂરી સંભાવના છે. જે માટે બીસીસીઆઈએ 1પથી 19 ડિસેમ્બરની તારીખો હાલ નિશ્ચિત કરી છે જ્યારે મહિલા આઇપીએલ (ડબ્લ્યૂપીએલ)નું ઓક્શન 9 ડિસેમ્બરે થવાની સંભાવના છે. જો કે તે માટેના સ્થળનો નિર્ણય હજુ લેવાયો નથી. આઇપીએલ અને ડબ્લ્યૂપીએલની હરાજી માટે બીસીસીઆઇએ હજુ સુધી ફ્રેંચાઇઝીઓને કોઇ જાણ કરી નથી, પણ આ વખતે દેશ બહાર થશે તેવું જાણવા મળે છે. બીસીસીઆઇએ ગયા વર્ષે આઇપીએલનું ઓકશન તૂર્કિના ઇંસ્તુબલમાં આયોજિત કરવાની યોજના બનાવી હતી, પણ અંતે કોચ્ચિમાં થયું હતું. આઇપીએલની ટ્રેડ વિન્ડો ખુલ્લી ગઇ છે. જો કે હજુ સુધી ખેલાડીઓના અદલા-બદલીના કોઈ સમાચાર સામે આવ્યા નથી. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં દરેક ફ્રેંચાઇઝીનું રિટેન અને રીલિઝ ક્રિકેટરોની યાદી સામે આવી જશે. બીસીસીઆઇએ મહિલા આઇપીએલની ફ્રેંચાઇઝીઓને હરાજી સંબંધે હજુ સુધી કોઇ જાણકારી આપી નથી. જો કે ડબ્લ્યૂપીએલનું રીટેન અને રીલિઝ પ્લેયરનું લિસ્ટ સામે આવી ગયું છે. આ વખતે ડબ્લ્યૂપીએલના મેચો આઇપીએલની જેમ અલગ અલગ શહેરોમાં આયોજિત થઇ શકે છે. જે પહેલી સીઝનમાં ફક્ત મુંબઇમાં રમાયા હતા.
