Womens Asia Cup 2026 India: UAEમાં રમાઈ રહેલા મહિલા એશિયા કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે હોંગકોંગને 137 રનની વિશાળ અંતરથી કારમી હાર આપીને સૌથી પહેલાં સેમિફાઇનલની ટિકિટ પાક્કી કરી લીધી છે. સાત વખતની ચેમ્પિયન ભારતે ગ્રુપ-Aમાં સતત બે જીત અને +5.775ના શાનદાર નેટ રન રેટ સાથે ટોચનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે. હવે ભારતીય ટીમ 5 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચિર-પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે રમવા ઉતરશે. પાકિસ્તાનની મહિલા ટીમ બીજા સ્થાને છે. તેને સેમિફાઇનલમાં જવા માટે ભારત અથવા હોંગકોંગમાંથી કોઈ એક સામે જીત મેળવવી જ પડશે.
સ્મૃતિ મંધાનાની ઐતિહાસિક સદી
ભારતીય ટીમની આ ધમાકેદાર જીતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના રહી હતી. મંધાનાએ હોંગકોંગના બોલરોની ધજ્જિયાં ઉડાવતા માત્ર 64 બોલમાં 14 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી 124 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેમણે પોતાની સદી 57 બોલમાં પૂર્ણ કરી હતી.
આ મંધાનાની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 18મી સદી હતી. આ સાથે જ તેમણે મહિલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ અને સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ્ટ (17-17 સદી)ને પાછળ છોડીને ઇતિહાસ રચ્યો. મંધાના હવે મહિલા ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ ઇન્ટરનેશનલ સદી ફટકારનારી દુનિયાની નંબર-1 બેટર બની ગઈ છે.
મેચનું સંપૂર્ણ વર્ણન
દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારતે પહેલાં બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 193 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. મંધાનાના 124 રન ઉપરાંત શેફાલી વર્માએ 17 બોલમાં 28 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. 194 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હોંગકોંગની ટીમ ભારતીય બોલરો સામે સંપૂર્ણપણે લાચાર જોવા મળી અને 16.2 ઓવરમાં માત્ર 56 રને ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે દીપ્તિ શર્માએ ઘાતક બોલિંગ કરતા માત્ર 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે નંદની શર્મા, પ્રેમા રાવત અને શ્રી ચરાણીએ 2-2 વિકેટ મેળવી હતી.

