Meta Content Blocking India: ભારતમાં Metaની મોટી કાર્યવાહી, 2026ના પ્રથમ છ મહિનામાં 54 લાખથી વધુ પોસ્ટ અને એકાઉન્ટ્સ પર પ્રતિબંધ

Arati Parmar
3 Min Read
Meta Content Blocking India

ઓનલાઇન કન્ટેન્ટ પર પ્રતિબંધના મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે

Meta Content Blocking India: ભારતમાં ઓનલાઇન કન્ટેન્ટ અને એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના કિસ્સાઓમાં મોટો વધારો નોંધાયો છે. રોયટર્સના અહેવાલ મુજબ, Metaના તાજેતરના આંકડા અનુસાર વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં કંપનીએ સ્થાનિક કાયદા હેઠળ ભારતમાં 54 લાખથી વધુ પોસ્ટ અને એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

નોંધનીય બાબત એ છે કે વર્ષ 2025માં આ આંકડો માત્ર 70 હજાર હતો. એટલું જ નહીં, ઇન્ડોનેશિયા પછી ભારત હવે Meta દ્વારા સ્થાનિક કાયદા હેઠળ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવાના મામલે દુનિયાનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે.

- Advertisement -

પ્રતિબંધિત એકાઉન્ટ્સની સંખ્યા કેમ વધી?

Metaના જણાવ્યા મુજબ, મોટાભાગના એકાઉન્ટ્સ સ્થાનિક કાયદા હેઠળ બ્લોક કરવામાં આવ્યા છે. તેમાં થયેલા મોટા વધારા પાછળ કેન્દ્ર સરકાર દ્વારા IT નિયમોમાં કરવામાં આવેલો સુધારો જવાબદાર છે, જે 20 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો છે.

બદલાયેલા નિયમો અનુસાર, સોશિયલ મીડિયા કંપનીઓએ કોઈપણ ગેરકાયદે કન્ટેન્ટની જાણ થયા પછી ત્રણ કલાકની અંદર તેને દૂર કરવું જરૂરી છે. અગાઉ આ સમયમર્યાદા 36 કલાકની હતી.

- Advertisement -

પોલીસ અધિકારીઓને સીધા અધિકારો મળ્યા

DWના એક અહેવાલ મુજબ, IT નિયમોમાં થયેલા સુધારાથી પોલીસ અધિકારીઓને એવા અધિકારો મળ્યા છે કે તેઓ કોઈ ફરિયાદ અથવા કાનૂની કાર્યવાહી વિના કંપનીઓને વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવાની નોટિસ આપી શકે છે.

આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા કંપનીઓ પાસે કન્ટેન્ટની યોગ્ય તપાસ અથવા સમીક્ષા કરવાનો ખૂબ ઓછો સમય બચે છે. તેના કારણે સીધી રીતે પોસ્ટ અથવા કન્ટેન્ટ બ્લોક કરવાની ફરજ પડે છે.

- Advertisement -

કયા પ્રકારનું કન્ટેન્ટ બ્લોક થઈ રહ્યું છે?

અહેવાલો અનુસાર, બ્લોક કરવામાં આવેલા કન્ટેન્ટનો મોટો હિસ્સો સરકાર અને તેની નીતિઓની ટીકા સાથે સંબંધિત છે. આવા કન્ટેન્ટમાં વિપક્ષી નેતાઓ, પત્રકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સની એવી પોસ્ટ સામેલ છે, જેમાં સરકાર અને તેની નીતિઓની ટીકા કરવામાં આવી હતી. જુલાઈ અને ઓક્ટોબરમાં દિલ્હીમાં વિદ્યાર્થીઓનાં પ્રદર્શનો અને CJPના નેતૃત્વમાં થયેલા આંદોલનો બાદ આ મામલો વધુ ગંભીર બન્યો હતો.

અહેવાલો મુજબ, આ પ્રદર્શનો દરમિયાન હજારો પોસ્ટ અને એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેમાં CJPનું પોતાનું એકાઉન્ટ પણ સામેલ હતું. જોકે, બાદમાં તેનું એકાઉન્ટ ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું.

સરકારનો પક્ષ

ઓનલાઇન કન્ટેન્ટ અને એકાઉન્ટ્સને બ્લોક કરવા અંગે સરકારનું કહેવું સ્પષ્ટ છે કે કન્ટેન્ટ દૂર કરવાના આદેશ માત્ર ત્યારે જ આપવામાં આવે છે, જ્યારે કોઈ પોસ્ટ પ્રવર્તમાન કાયદાઓનું ઉલ્લંઘન કરતી હોય અથવા જાહેર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરતી હોય.

Share This Article