Online Gaming Safety: ગાઝિયાબાદમાં ગત મોડી રાત્રે ૩ સગી બહેનોએ 9મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના રાત્રે ૨:૩૦ વાગ્યાની હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર ત્રણેય બહેનો સગીર હતી અને એક ટાસ્ક બેઝ્ડ કોરિયન ગેમની વ્યસની બની ગઈ હતી. તે ગેમનું નામ ‘કોરિયન લવર’ (Korean Lover) જણાવવામાં આવી રહ્યું છે, જેમાં રમનારને અલગ-અલગ ટાસ્ક આપવામાં આવતા હતા. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં પણ બાળકો મોબાઈલ ગેમ રમે છે, તો તમારે કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
શું છે કોરિયન લવર ગેમ?
કોરિયન લવર જેવી ગેમ સાધારણ ગેમ્સની શ્રેણીમાં આવતી નથી. આને ટાસ્ક બેઝ્ડ, સિમ્યુલેશન અથવા રોલ-પ્લેઇંગ ગેમ કહેવામાં આવે છે. K-Drama અને કોરિયન પોપ કલ્ચર પર આધારિત આ ગેમમાં પ્લેયરને એક વર્ચ્યુઅલ કોરિયન પાત્રના પ્રેમમાં હોય તેમ બતાવવામાં આવે છે. ગેમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હોય છે કે ખેલાડીને લાગે છે કે તે ખરેખર કોઈની સાથે વાત કરી રહ્યો છે.
આમાં મળતા ટાસ્ક અને પડકારો ધીમે ધીમે ખેલાડીને અસલ જિંદગીથી અલગ કરી દે છે. આ જ પ્રકારની બ્લુ વ્હેલ કે મોમો ચેલેન્જ જેવી ગેમ્સ પહેલા પણ ચર્ચાનો વિષય બની ચૂકી છે. ખતરનાક વાત એ છે કે આ ગેમ્સના કેટલાક અનઓફિશિયલ વર્ઝન અથવા તેની સાથે જોડાયેલા ઓનલાઈન કોમ્યુનિટી ગ્રુપ પ્લેયર્સને જોખમી ટાસ્ક આપે છે. એવામાં જો તમારું બાળક પણ ફોન કે ટેબ પર ગેમ રમે છે, તો તમારા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.
ઇન-ગેમ ચેટ પર ધ્યાન આપો
આજકાલ એવી ઘણી ગેમ્સ છે જે પ્લેયર્સને અંદરોઅંદર વાત કરવાની સુવિધા આપે છે. કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ અજાણ્યો પ્લેયર તમારા બાળકોનો સંપર્ક કરી શકે છે. એવામાં હંમેશા જુઓ કે તમારું બાળક જે ગેમ રમી રહ્યું છે તેમાં આવું ફીચર છે કે નહીં. જો ફીચર હોય તો બાળક કોની સાથે વાત કરી રહ્યું છે તેના પર નજર રાખો. જો બાળકની ઉંમર બહુ વધારે ન હોય તો તેમને આવા ફીચર્સવાળી ગેમ રમતા અટકાવવામાં જ ભલાઈ છે.
ટાસ્ક અને ચેલેન્જ આધારિત ગેમ
વીડિયો ગેમ્સ મગજને તેજ કરે છે તેમાં બે મત નથી, પરંતુ ધ્યાન આપો કે તમારું બાળક ટાસ્ક કે ચેલેન્જ આધારિત ગેમ ન રમતું હોય. ગેમ રમતી વખતે જો તમારું બાળક વિચિત્ર વર્તન કરે જેમ કે પોતાને રૂમમાં બંધ કરી દેવું વગેરે, તો સાવધ થઈ જાઓ. આવા અનેક કિસ્સાઓ સમયાંતરે આવ્યા છે જેમાં ટાસ્ક બેઝ્ડ ગેમ્સ રમવાના કારણે બાળકોએ જીવ ગુમાવ્યો હોય. તેથી ધ્યાન રાખો કે બાળકો કઈ ગેમ પર સમય વિતાવી રહ્યા છે.
વય રેટિંગ અને પરમિશન પર ધ્યાન આપો
પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ગેમ્સને વય રેટિંગ (Age Rating) આપવામાં આવેલ હોય છે. તેથી ચોક્કસ જુઓ કે તમારું બાળક તેની ઉંમર મુજબની યોગ્ય ગેમ્સ જ રમી રહ્યું છે કે નહીં? આ સિવાય જુઓ કે ગેમે ઉપકરણની કઈ પરમિશન એક્સેસ કરી છે જેમ કે કેમેરા, લોકેશન વગેરે. જો કોઈ ગેમ જરૂરિયાત કરતા વધુ વસ્તુઓનું એક્સેસ લેતી જણાય તો તેને ડિલીટ કરી દો.
વ્યસન લગાડતી ગેમ
આ બાબત પર ધ્યાન આપો કે બાળક જે રમી રહ્યું છે તે ગેમમાં એક ખેલાડી તરીકે તેણે શું કરવાનું હોય છે. આજે એવી ગેમ્સનો રાફડો ફાટ્યો છે જે ગેમના દરેક લેવલ પર બાળકોને કોઈન્સ ખરીદવા કે પૈસા ખર્ચવા માટે પ્રેરિત કરે છે. એવામાં બાળકો ગેમના વ્યસની બની જાય છે જેની ખબર પડતી નથી. જો તમારું બાળક ગેમમાં કંઈક ખરીદવાનું કહે તો તેને સમજાવો અને આવી ગેમ્સથી બાળકોને દૂર રાખો.

