કેન્દ્ર સરકારે 12 નવા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી વિકસિત કરવાની યોજનાને મંજૂરી આપી

Reena Brahmbhatt
3 Min Read

નવી દિલ્હી, તા. 28 : કેન્દ્ર સરકારે આજે 12 નવા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી વિકસિત કરવાની યોજનાને મંજૂરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે પ્રસાર માધ્યમોને માહિતી આપતાં જણાવ્યું કે અંદાજે રૂા. 28,602 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારી આ યોજનાથી 9.39 લાખ પ્રત્યક્ષ અને 30 લાખ અપ્રત્યક્ષ રોજગાર ઉપલબ્ધ થવાની શક્યતા છે.

આ પ્રોજેક્ટથી 1.52 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે. આ ઔદ્યોગિક શહેરો ઉત્તરાખંડમાં ખુરપરિયા, પંજાબમાં રાજપુરા-પટિયાલા, મહારાષ્ટ્રમાં દિઘી, કેરળમાં પલક્કડ, ઉત્તર પ્રદેશમાં આગ્રા અને પ્રયાગરાજ, બિહારમાં ગયા, તેલંગણમાં ઝહિરાબાદ, આંધ્ર પ્રદેશમાં ઓર્વાકલ અને કોપાર્થી તથા રાજસ્થાનમાં જોધપુર અને પાલીમાં હશે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પગલું દેશના ઔદ્યોગિક પરિદૃશ્યને બદલવા માટે છે જેનાથી ઔદ્યોગિક કેન્દ્રો અને શહેરોનું એક મજબૂત નેટવર્ક તૈયાર થશે જે આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપશે. આ યોજના રોજગારની વ્યાપક તકો પણ ઉપલબ્ધ કરશે. આ યોજના આશરે 10 લાખ લોકોને રોજગાર આપશે અને અપ્રત્યક્ષ રીતે 30 લાખ નવા રોજગારનું પણ સર્જન કરશે, એવું તેમણે જણાવ્યું. વૈશ્વિક સ્તરના આ ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી `પ્લગ-ઈન-પ્લે’ અને `વૉક-ટૂ-વર્ક’ સંકલ્પના સાથે નિર્માણ કરાશે, એવું સરકારે જણાવ્યું છે. આ પ્રકલ્પમાં રૂા. 1.52 લાખ કરોડના રોકાણની શક્યતા હશે. આ યોજનામાં મુખ્ય ઉદ્યોગો અને સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો (એમએમએમઈ)ને પણ પ્રોત્સાહન અપાશે. કેબિનેટે એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના વિસ્તરણની પણ જાહેરાત કરી છે.

- Advertisement -

smart city 1

આ યોજનાને શરૂઆતમાં 2020માં રૂા. એક લાખ કરોડના બજેટ સાથે લૉન્ચ કરાઈ હતી. આ યોજના પાકની કાપણી પછીની માળખાકીય સુવિધાઓ જેમ કે પૅક હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટેડ વાહનો અને પ્રાથમિક પ્રક્રિયા એકમો પર કેન્દ્રીત છે. વિસ્તરણ હેઠળ હવે ઈન્ટિગ્રેટેડ સેકન્ડરી પ્રોસેસિંગ અને પીએમ કુસુમ યોજનાના ઘટક-એને પણ સમાવી લેવાશે જે આ યોજનાઓને ક્રેડિટ ગૅરન્ટી પ્રદાન કરશે. આ પ્રકલ્પનો હેતુ ખેડૂતોને કૃષિઉત્પાદનોના મૂલ્યવર્ધનમાં સહાય કરવાનો અને કૃષિ આધારિત ઉદ્યોગો સ્થાપવાનો છે. સરકારે 234 શહેરો અને નગરમાં ખાનગી એફએમ રેડિયો શરૂ કરવાના પ્રસ્તાવને પણ આજે મંજૂરી આપી હતી. સરકારનું આ પગલું માતૃભાષામાં સ્થાનિક બોલી અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે અને રોજગારની નવી તકો પણ ઉપલબ્ધ કરશે. વડા પ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે રૂા. 784.87 કરોડની અંદાજિત અનામત કિંમત સાથે ખાનગી એફએમ રેડિયો ફેસ-3 પોલિસી હેઠળ 234 શહેરોમાં 730 ચેનલો માટે ઈ-લિલામ માટે મંજૂરી આપી છે. એફએમ રેડિયોના પ્રસ્તાવિત 234 શહેરોમાં આંધ્ર પ્રદેશના 22 શહેર, આસામના છ, બિહારના 18, છત્તીસગઢના ત્રણ, ગુજરાતના આઠ, હરિયાણાના નવ, જમ્મુ-કાશ્મીર, આંદામાન અને નિકોબાર, દમણ અને દીવ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરાના એક-એક, ઝારખંડનાં છ, કર્ણાટકના 16, કેરળનાં બે, મધ્ય પ્રદેશના20, મહારાષ્ટ્રનાં 11, નાગાલેન્ડના ત્રણ, ઓરિસાના છ, પંજાબનાં નવ, રાજસ્થાનના 19, તામિલનાડુના 11, ઉત્તર પ્રદેશના 32, ઉત્તરાખંડના બે અને પ. બંગાળના 12 શહેરોનો સમાવેશ થાય છે.

- Advertisement -
Share This Article