UPI AutoPay Fraud: પંજાબ નેશનલ બેંક (PNB) ના એકાઉન્ટ સાથે લિંક થયેલ UPI એપ ચલાવતા કેટલાક ગ્રાહકો સાથે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોકોએ ફરિયાદ કરી છે કે તેમની UPI એપ પર ઓટોપે (AutoPay) દ્વારા પૈસા ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોનો દાવો છે કે તેમણે કોઈ લોન લીધી નથી, તેમ છતાં તેમના UPI એકાઉન્ટમાંથી ઓટોપેમેન્ટનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે એવા UPI એકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જે પંજાબ નેશનલ બેંક સાથે જોડાયેલા છે.
‘એકાઉન્ટમાં પૈસા નહોતા, એટલે બચી ગયો’
પોતાના ભાઈ સાથે થયેલા ફ્રોડ વિશે જણાવતા વિકાસ શર્માએ કહ્યું કે ૩ ફેબ્રુઆરીએ પેટીએમ એપ પર એક મેસેજ આવ્યો, જેમાં UPI ઓટોપે દ્વારા કુલ ૧૫ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ‘ABFL પર્સનલ લોન’ ના નામે UPI ઓટોપેની કોશિશ કરવામાં આવી હતી, જ્યારે તેમના ભાઈએ કોઈ પર્સનલ લોન લીધી જ નહોતી. નસીબજોગે એકાઉન્ટમાં માત્ર ૭ હજાર રૂપિયા હતા. તેમણે કહ્યું કે એકાઉન્ટમાં પૈસા નહોતા, તેથી તેમનો ભાઈ બચી ગયો અને પેમેન્ટ પેન્ડિંગ મોડમાં જતું રહ્યું. વિકાસનું કહેવું છે કે તેનો ભાઈ હવે પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા ડરે છે. તેમને ડર છે કે પૈસા નાખતા જ UPI ઓટોપેથી ૧૫ હજાર રૂપિયા કપાઈ જશે અને તેમની સાથે છેતરપિંડી થઈ જશે.
ઈન્સ્યોરન્સ પેમેન્ટના નામે ફ્રોડ
વરુણ કુમાર નામના અન્ય એક યુઝરે પોતાની સાથે થયેલા ફ્રોડના પ્રયાસ વિશે જણાવ્યું છે. તેમણે સ્ક્રીનશોટ બતાવતા કહ્યું કે ‘પેટીએમ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પેમેન્ટ’ ના નામે તેમના એકાઉન્ટમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યારે આવું કોઈ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ તેમણે લીધું નથી. વિકાસના ભાઈ અને વરુણ સાથે થયેલી છેતરપિંડીની કોશિશમાં ખાસ વાત એ છે કે બંનેના UPI એકાઉન્ટ પંજાબ નેશનલ બેંક સાથે લિંક છે.
બંને કિસ્સામાં ઓન હતું પ્રાયોરિટી મોડ
ફ્રોડના બંને પ્રયાસોમાં ખાસ વાત એ હતી કે UPI એપમાં પ્રાયોરિટી મોડ (Priority Mode) ઓન હતું. આ ઓન રહેવાથી કોઈ પણ પેમેન્ટ સામાન્ય પેમેન્ટ કરતા ફાસ્ટ થાય છે એટલે કે પૈસા જલ્દી ટ્રાન્સફર થઈ જાય છે. સદનસીબે વિકાસના ભાઈ અને વરુણ બંનેના પંજાબ નેશનલ બેંક સાથે જોડાયેલા UPI એકાઉન્ટમાં એટલા પૈસા જ નહોતા, જેટલા કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
UPI AutoPay ને ઓફ કરો
જો તમે પણ UPI એપનો ઉપયોગ કરો છો જેમ કે- Paytm, PhonePe કે Google Pay તો તમારી એપમાં UPI AutoPay ચેક કરો અને જો જરૂરી ન હોય તો ઓટોપેને ઓફ કરી દો. Paytm માં કેવી રીતે ઓફ કરવું UPI AutoPay:
પેટીએમ એપ ખોલો.
પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો.
નીચેની તરફ સ્ક્રોલ કરવા પર Automatic Payments નો ઓપ્શન મળશે.
તેના પર ક્લિક કરીને તમને ખબર પડશે કે કયા પેમેન્ટ માટે UPI ઓટોપે ઓન છે.
કોઈ પણ બિનજરૂરી પેમેન્ટ માટે ઓટોપે દેખાય તો તેના પર ક્લિક કરો.
સ્ક્રોલ કરવા પર સૌથી નીચે ‘પોઝ પેમેન્ટ’ (Pause Payment) અથવા ‘કેન્સલ પેમેન્ટ’ (Cancel Payment) નો ઓપ્શન દેખાશે. તેને કેન્સલ કરી દો.
જો આ પછી પણ તમારી સાથે છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવે તો તમારી બેંકનો સંપર્ક કરો અને સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવો.

