શ્રીનગર, તા. 8 : માણસાઇના દુશ્મન આતંકવાદની કમર તોડવા દેશના જાંબાઝ જવાનો પોતાના પ્રાણની પણ પરવા નથી કરતા. કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આ હકીકતની પ્રતીતિ કરાવતી ઘટનામાં આતંકવાદીઓએ સેનાનાં વાહન પર હુમલો કરતાં પાંચ જવાન શહીદ થઇ ગયા હતા. કઠુઆના લોહી મલ્હાર તાલુકાના મચહેડી ક્ષેત્રના બડનોટા ગામમાં સોમવારે આતંકવાદી હુમલામાં ચાર સૈનિકે બહાદૂરીભેર લડતાં પ્રાણોનું બલિદાન આપ્યું હતું. છેલ્લા બે મહિનામાં સૈન્ય વાહન પર હુમલાના આજે બનેલા બીજા બનાવમાં અન્ય પાંચ જવાન ઘાયલ થઇ ગયા હતા. પહાડી વિસ્તારમાં આતંકવાદીઓએ તલાશી અભિયાન છેડનાર પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમના સૈન્ય વાહન પર નિશાન સાધતાં લોહિયાળ હુમલો કર્યો હતો. સેનાએ મોટાપાયે તલાશી અભિયાન છેડવા સાથે છ આતંકવાદીને ફૂંકી મારતાં આતંકીઓ ભારે ગભરાઇ ગયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રારંભિક હુમલા બાદ આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા અને પછી ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસ અને સુરક્ષા દળોના જવાનોની સંયુક્ત ટીમે વળતા જવાબરૂપે ગોળીબાર કર્યો હતો, પરંતુ આતંકવાદીઓ ગાઢ જંગલમાં નાસી છૂટયા હતા. સેનાના વાહન પર આ બે મહિનામાં બીજો હુમલો છે. આજથી પહેલાં ચોથી મેના દિવસે પૂંચ જિલ્લાના શાહસિતાર વિસ્તારમાં વાયુદળના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
એ હુમલામાં કોર્પોરલ વિક્કી પહાડે શહીદ થઈ ગયા હતા, તો અન્ય ચાર જવાન ઘાયલ થઇ ગયા હતા. તો બે દિવસમાં સેના પર આજે બીજો આતંકી હુમલો કરાયો હતો. ગઇકાલે રવિવારની સવારે આતંકવાદીઓએ રાજૌરી જિલ્લાના મંજાકોટ ક્ષેત્રમાં એક સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થઇ ગયો હતો. કાશ્મીર ખીણમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે જારી લડાઇમાં અત્યાર સુધી કુલ છ આતંકવાદી ઠાર થઇ ચૂક્યા છે, તો તેમની સામે બાહોશીભેર લડતાં-લડતાં કુલ છ જવાન શહીદ થઇ ચૂક્યા છે. – કાશ્મીરમાં ઘર્ષણ બાદ પકડાયો કબાટની અંદર આતંકી અડ્ડો ! : નવીદિલ્હી, તા.8: જમ્મુ-કાશ્મીરનાં કુલગામમાં બે સ્થાને થયેલી મૂઠભેડમાં સુરક્ષાદળોએ છ આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો હતો અને આ આતંકીઓનાં ઠેકાણાનો એક વીડિયો બહાર આવતા બધા જ અચંબિત રહી ગયા છે. જેમાં જોવા મળે છે કે, એક ઘરના કબાટની અંદર આતંકવાદીઓએ સુરંગ અને બંકર જેવો છૂપો અડ્ડો પણ બનાવી રાખ્યો હતો. બહારથી જોવામાં આવે તો આ ઠેકાણાને એવી રીતે છૂપાવી રાખવામાં આવ્યું હતું કે, તેને જોતા કોઈને ખ્યાલ ન આવે કે અંદર કોઈ બંકર છે કે નહીં. આ વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓને પણ ચોંકી ઉઠી છે. પોલીસ અને સુરક્ષાદળોની તપાસમાં આ આતંકી ઠેકાણું બહાર તો આવ્યું છે પણ હજી સુધી તેનાં વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

