ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ સાથે 50 હિસ્ટ્રીશીટરની તપાસ
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા પોલીસે ભેસ્તાન વિસ્તારમાં મોટાપાયે દરોડા પાડ્યા છે. 22 નવેમ્બરના રોજ સવારે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ચાલેલા આ અભિયાનમાં પોલીસની 7 ટીમો 1600થી વધુ ઘરોમાં પ્રવેશી હતી. પોલીસે 50 થી વધુ હિસ્ટ્રીશીટરોની યાદી સાથે આ મકાનોની સઘન તપાસ હાથ ધરી હતી.
આ અભિયાનમાં એક ખાસ વાત એ હતી કે પોલીસે પહેલીવાર હવાઈ દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ડ્રોનની મદદથી શંકાસ્પદ વિસ્તારો પર નજર રાખવામાં આવી હતી. પોલીસ કમિશનરની સૂચનાથી હાથ ધરાયેલા આ ઓપરેશનમાં 100થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા.
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ દરોડાનો હેતુ ભેસ્તાન વિસ્તારમાં વધી રહેલા ગુનાખોરીને રોકવાનો છે. તેમણે કહ્યું, “અમે ભેસ્તાન આવાસમાં 1600 થી વધુ ઘરોની તલાશી લીધી છે. 50 થી વધુ હિસ્ટ્રીશીટરોની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.”
પોલીસે દરોડા દરમિયાન વાહનોની તપાસ હાથ ધરી હતી.
સુરત પોલીસનું આ ઓપરેશન શહેરવાસીઓ માટે રાહતના સમાચાર છે. આ દરોડાથી ગુનેગારોમાં ગભરાટ ફેલાશે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થશે તેવી અપેક્ષા છે.

