પુતિને જણાવ્યું કે મોદીજીનું જીવન ભારતને સમર્પિત રહેશે

Reena Brahmbhatt
3 Min Read

નવી દિલ્હી, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પાંચ વર્ષ બાદ રશિયાના બે દિવસના પ્રવાસે પહોંચ્યા, ત્યારે મોસ્કોમાં એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે ભારતીય રાષ્ટ્રગાનની ધૂન વગાડીને રૂસી સેનાએ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભારતીય સમુદાયના લોકોએ પણ ઉમળકાભેર આવકાર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખાસ પોતાના નિવાસસ્થાને તેડી જઇને વડાપ્રધાન મોદીનું ભાવભેર સ્વાગત કર્યું હતું. પુતિને કહ્યું હતું કે, મોદીજી, આપનું જીવન ભારતના લોકો માટે સમર્પિત છે. પુતિને પોતાનાં ઘરે ખાસ યોજેલા રાત્રિ ભોજનો સ્વાદ માણતાં ત્રીજીવાર સત્તા સંભાળ્યા પછી બીજીવાર રૂસી રાષ્ટ્રપતિને મળેલા મોદીએ `િપ્રય મિત્ર’ તરીકે સંબોધન સાથે સ્વાગત બદલ પુતિનનો આભાર માન્યો હતો. મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં નિમંત્રણ ઉપર ગયા છે અને બન્ને નેતાઓ 22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં જોડાશે, જેમાં દ્વિપક્ષી સંબંધો અને મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.

putin and modi

- Advertisement -

પુતિન સાથે મોદી રક્ષા અને ઊર્જા ક્ષેત્રે વ્યાપાર વધારવા માટેની વાટાઘાટો કરશે. યાત્રા ઉપર નીકળતા પહેલાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, બન્ને દેશ વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી છેલ્લા દસ વર્ષમાં ઘણી આગળ વધી છે. રશિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ ઉપર ત્યાં થયેલા સ્વાગતની તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, મોસ્કો પહોંચી ગયો છું. આશા છે કે, બન્ને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. બન્ને દેશના મજબૂત સંબંધથી બન્ને દેશની જનતાને ફાયદો થશે.

મોસ્કોમાં મોદીનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રશિયાનાં ઉપપ્રધાનમંત્રી ડેનિસ મંટુરોવે મોદીનું સ્વાગત કર્યું હતું અને પછી પોતાની કારમાં મોદીને હોટેલ લઈ ગયા હતા. એક બેઠક બાદ મોદીએ રાત્રિ ભોજન પુતિન સાથે લીધું હતું. મોસ્કોની યાત્રાએ જતા પહેલાં મોદીએ કહ્યું હતું કે, હું મારા મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષી સહયોગનાં તમામ પાસાંઓની સમીક્ષા કરવા માટે ઉત્સુક છું. રશિયા ઉપરાંત મોદી ઓસ્ટ્રિયા પણ જવાના છે.

- Advertisement -

તેમણે ઓસ્ટ્રિયાને ભારતના દૃઢ અને વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બન્ને દેશ લોકતંત્રના આદર્શોથી જોડાયેલા છે. નવા ક્ષેત્રમાં ભાગીદારીને વધુ ઊંચાઈએ પહોંચાડવાની આશા છે. વડાપ્રધાન મોદીની રશિયાની યાત્રા સાથે જ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (આઈએનએસટીસી) પણ ચર્ચામાં આવી ગયો છે. આશરે બે દાયકા બાદ આ ગલિયારો ફરીથી સક્રિય થતો દેખાય છે. વર્ષ 2000માં પ્રસ્તાવિત આઈએનએસટીસીને સુએજ કેનાલ માર્ગના વિકલ્પ તરીકે પેશ કરવામાં આવી હતી.

Share This Article