China Nepal BRI Roadmap: ચીને નેપાળ સાથેના સંબંધોને લઈને ચાર મુદ્દાનો રોડમેપ રજૂ કર્યો છે. નેપાળમાં ચીનના રાજદૂત ઝાંગ માઓમિંગે કાઠમંડુ પોસ્ટમાં એક કૉલમ લખી છે જેમાં તેમણે નેપાળને લઈને ચીનની યોજના રજૂ કરી છે. આ લેખમાં તેમણે લખ્યું છે કે ‘નેપાળી જમીનનો ઉપયોગ ચીની હિતોને નુકસાન પહોંચાડવા માટે કરવામાં નહીં આવે.’
રાજદૂત ઝાંગ માઓમિંગે પોતાની કૉલમમાં લખ્યું છે કે ‘ચીને હંમેશા નેપાળ સાથેના પોતાના સંબંધોને પોતાના પડોશી દેશો સાથેની રાજદ્વારી કાર્યસૂચિમાં પ્રાથમિકતા આપી છે. નેપાળ પ્રત્યેની ચીનની મિત્રતાની નીતિમાં તમામ નેપાળી લોકો સામેલ છે. ચીન નેપાળની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, આઝાદી અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવામાં તેનું સમર્થન ચાલુ રાખશે, લોકોના સમર્થનથી સુચારૂ રીતે શાસન ચલાવવામાં નવી નેપાળી સરકારનો સાથ આપશે, અને નેપાળને તેની રાષ્ટ્રીય વાસ્તવિકતાઓને અનુકૂળ વિકાસનો રસ્તો અપનાવવામાં મદદ કરશે.’
નેપાળને લઈને ચાર મુદ્દાનો રોડમેપ શું છે?
તેમણે કાઠમંડુ પોસ્ટમાં લખ્યું છે કે બંને પક્ષો આ વાત પર સહમત થયા કે ઉચ્ચ ગુણવત્તાવાળા ‘બેલ્ટ એન્ડ રોડ’ સહયોગ હેઠળ તેમણે પોતાની વિકાસ વ્યૂહરચનાઓને એકબીજાને અનુરૂપ બનાવવાનું ચાલુ રાખવું જોઈએ, વિવિધ ક્ષેત્રોમાં વ્યાવહારિક સહયોગને ઊંડો બનાવવો જોઈએ અને દ્વિપક્ષીય સંબંધોની ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવી જોઈએ. આને લઈને ચાર પ્રાથમિકતાવાળા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી.
પહેલું: સરહદ પાર પરિવહન, સરહદી માળખાકીય સુવિધાઓ અને હવાઈ જોડાણના વિકાસમાં ઝડપ લાવીને બંને દેશો વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો કરવો જેનાથી લોકો વચ્ચે પરસ્પર આદાનપ્રદાન સરળ બને અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધુ સારી થાય.
બીજું: વીજળી, પાવર ગ્રીડ અને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રોમાં વ્યાવહારિક સહયોગનો વિસ્તાર કરીને ઊર્જા સહયોગને ઊંડો બનાવવો અને નેપાળની ઊર્જા સુરક્ષા અને હરિત વિકાસ ક્ષમતા વધારવી.
ત્રીજું: દ્વિપક્ષીય વેપાર માળખાને વધુ સારું બનાવીને પરસ્પર લાભવાળા વ્યાવસાયિક સહયોગને પ્રોત્સાહિત કરીને, નેપાળમાં રોકાણ અને કામ કરતી ચીની કંપનીઓ માટે નિષ્પક્ષ, કાયદા આધારિત અને અનુકૂળ વ્યાવસાયિક વાતાવરણ બનાવીને અને દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારી સહયોગના પ્રમાણ અને ગુણવત્તા બંનેને વધારીને વેપાર અને રોકાણ સહયોગનો વિસ્તાર કરવો.
ચોથું: શાસનના અનુભવ પર આદાનપ્રદાનને મજબૂત કરવું, લોકો વચ્ચે પરસ્પર આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવું અને શિક્ષણ, યુવાનો, સ્થાનિક સરકાર અને મીડિયાના ક્ષેત્રોમાં સહયોગનો વિસ્તાર કરવો જેનાથી નેપાળ-ચીન સંબંધોને આધાર આપનારા જનસમર્થનને વધુ મજબૂત કરી શકાય.
ખૂબ સરળ શબ્દોમાં સમજીએ તો ચીનના રોડમેપમાં નેપાળની અંદર બીઆરઆઈ હેઠળ એરપોર્ટ અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવવાનું છે જે ચીન બીજા ઘણા દેશોમાં કરતું આવ્યું છે. ચીન એવું કરીને તે દેશોને દેવાના જાળમાં ફસાવે છે. ચીન વીજળી, પાવર ગ્રીડ અને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રોમાં ભારે ભરખમ રોકાણ કરે છે અને તે રીતે તેના પર જાસૂસી કરવાના અને બીજા દેશોની સાર્વભૌમત્વને પોતાના હાથમાં લેવાના આક્ષેપો થાય છે. એટલા માટે જ સવાલ એ છે કે શું બાલેન શાહ ચીનની BRI ને લઈને ચીકણી ચૂપડી વાતોમાં ફસાશે?

