FCRA Bill: FCRA સુધારા બિલ પર અમેરિકન સાંસદનો સવાલ, ભારતમાં ખ્રિસ્તી સંસ્થાઓ અંગે વ્યક્ત કરી ચિંતા

Arati Parmar
5 Min Read

FCRA Bill ને લઈને અમેરિકન કોંગ્રેસમેન રાઇલી મૂરની ટીકા, ભારત-અમેરિકા સંબંધો પર પણ વ્યક્ત કરી ચિંતા

FCRA Bill: ભારત સરકારના ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA)માં સુધારાના પ્રસ્તાવની અમેરિકન કોંગ્રેસમેન રાઇલી મૂરે ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે આ સીધા-સીધા ખ્રિસ્તીઓને નિશાન બનાવવાનો પ્રયાસ છે. તેમણે એટલું પણ જણાવ્યું કે આ મુદ્દો ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવનું કારણ બની શકે છે. મૂરે જણાવ્યું કે પ્રસ્તાવિત સુધારા NGO, ટ્રસ્ટ, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનોને મળતા વિદેશી દાન સાથે સંબંધિત છે, જે ભારત સરકારને ચર્ચોનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાની મંજૂરી આપશે.

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ‘ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ, 2026’ પર ચર્ચા વચ્ચે મંગળવારે મૂરે X પર તેના વિશે પોસ્ટ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદ રાઇલી મૂરે FCRAમાં પ્રસ્તાવિત સુધારાઓને ખ્રિસ્તીઓ પર સીધો હુમલો ગણાવતા આરોપ લગાવ્યો કે આ કાયદાથી સરકાર ચર્ચો અને ધાર્મિક ચેરિટીઓ પર ‘કબજો’ કરી શકે છે.

- Advertisement -

ભારતમાં ખ્રિસ્તી ધર્મનો લાંબો ઇતિહાસ

અમેરિકન કોંગ્રેસમેને X પોસ્ટમાં ભારતમાં ખ્રિસ્તી ધર્મના લાંબા ઇતિહાસનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું, “ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના થોડા જ દાયકાઓ બાદ સેન્ટ થોમસ ધ એપોસ્ટલ માલાબાર કિનારે આવ્યા હતા, ત્યારથી ખ્રિસ્તીઓ ભારતમાં છે. ખ્રિસ્તી ધર્મના એટલા લાંબા ઇતિહાસ છતાં ભારતીય સંસદ FCRAના નિયમોમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે.”

- Advertisement -

રાઇલી મૂરે સીધો આરોપ લગાવ્યો કે FCRAના નિયમોમાં ફેરફાર પાછળ સરકારની મન્સા ચર્ચોનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાની છે. આવી સ્થિતિમાં આ ખ્રિસ્તીઓ પર સીધો હુમલો છે. જો બિલ આ જ રીતે આગળ વધશે અને કાયદો બનશે તો પછી તે ભારત સાથે અમારા (અમેરિકાના) દ્વિપક્ષીય સંબંધોમાં મોટી ચિંતાનો વિષય બની જશે.

- Advertisement -

FCRA બિલમાં શું છે?

આ બિલનો હેતુ ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ, 2010માં સુધારો કરવાનો છે. આ કાયદો નક્કી કરે છે કે બિન-સરકારી સંસ્થાઓ (NGO), ચેરિટેબલ ટ્રસ્ટ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને એસોસિએશનો વિદેશી દાન કેવી રીતે મેળવી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે.

હાલના નિયમો મુજબ સંસ્થાઓએ વિદેશી દાન મેળવતા પહેલાં ગૃહ મંત્રાલયમાં નોંધણી કરાવવી પડે છે, જે દર પાંચ વર્ષે નવીનીકૃત થાય છે.

બિલ સાથે આપવામાં આવેલી પૃષ્ઠભૂમિ નોંધ મુજબ, 15 જુલાઈ 2026 સુધી ભારતમાં 14,449 સક્રિય FCRA નોંધણીઓ હતી. ઉપરાંત 22,498 નોંધણીઓ રદ કરવામાં આવી હતી, જ્યારે 15,212ની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી. 2019 અને 2022 વચ્ચે આ એક્ટ હેઠળ નોંધાયેલ સંસ્થાઓને 55,741 કરોડ રૂપિયાનું વિદેશી દાન મળ્યું છે.

બિલના મહત્વના મુદ્દા

બિલના સૌથી મહત્વના પ્રસ્તાવોમાંથી એક કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ‘ડેઝિગ્નેટેડ ઓથોરિટી’ (અધિકૃત સંસ્થા) બનાવવાનો છે. જો કોઈ સંસ્થાનું FCRA નોંધણી રદ થાય, સમર્પણ કરવામાં આવે અથવા નવીનીકરણ ન થાય તો આ ઓથોરિટીને વિદેશી દાન અને તેમાંથી બનાવવામાં આવેલી સંપત્તિઓનું સંચાલન પોતાના હાથમાં લેવાની સત્તા મળશે.

બિલમાં નવીનીકરણ માટે વિદેશી દાનના ઉપયોગની લઘુત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. જે સંસ્થાઓને છેલ્લા બે નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી ઓછું વિદેશી દાન મળ્યું હશે, તે નવીનીકરણ માટે પાત્ર નહીં રહે. વિદેશી દાન અન્ય સંસ્થાઓને ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધો તેમજ વિદેશી ફંડ મેળવવા અને તેનો ઉપયોગ કરવા માટે કડક સમયમર્યાદાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

બિલ પર વિવાદ શા માટે છે?

બિલમાં ‘ડેઝિગ્નેટેડ ઓથોરિટી’ને આપવામાં આવનારી પ્રસ્તાવિત સત્તાઓ ચર્ચાનું કેન્દ્ર બની છે. અમેરિકન સાંસદ મૂર ઉપરાંત અનેક NGO અને સિવિલ સોસાયટી જૂથોનું કહેવું છે કે આ સુધારાઓથી કેન્દ્ર સરકારને વિદેશી ફંડિંગ પર આધારિત સંસ્થાઓ પર ખૂબ વધારે નિયંત્રણ મળી જશે.

ચર્ચ અને ધાર્મિક સંગઠનોએ ખાસ કરીને ચિંતા વ્યક્ત કરી છે કે વિદેશી દાનથી દાયકાઓ દરમિયાન બનાવવામાં આવેલી શાળાઓ, હોસ્પિટલો, કલ્યાણકારી સંસ્થાઓ અને અન્ય સંપત્તિઓ સરકારના નિયંત્રણમાં આવી શકે છે, જો તેમની નોંધણીની સમયમર્યાદા પૂર્ણ થઈ જાય અથવા તેમની નોંધણી રદ થઈ જાય.

Share This Article